‘રાજસ્થાન કા રાક્ષસ હું, તુમ પુલીસ વાલો કો ખા જાઉ’:ગાંધીનગરમાં નાકા બંધી તોડીને બૂટલેગરે પોલીસ જવાનો ઉપર બાઈક ચઢાવી, એકની આંગળીમાં બચકુ ભરી પથ્થરમારો કર્યો

Views 58

ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ હિંમતનગર હાઇવે રોડ નાકા પોઈન્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી બાઈક ઉપર આવેલા બુટલેગરે નાકા બંધી તોડીને પોલીસ જવાનો ઉપર બાઈક ચઢાવી દઈ ” મેં રાજસ્થાન કા રાક્ષસ હું, તુમ પુલીસ વાલો કો ખા જાઉંગા” કહીને એક પોલીસ જવાનની આંગળીએ બચકું ભર્યું હતું. આટલેથી નહીં અટકેલા બુટલેગરે પોતાને શેતાન તરીકે ઓળખાવી પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો. જે હુમલામાં અન્ય બે હોમગાર્ડને ઈજાઓ થઈ છે. આ બનાવના પગલે ચીલોડા પોલીસે બૂટલેગરને દબોચી લઈ વૈજ્ઞાનિક ઢબે રાક્ષસનું ભૂત ઉતારી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કર્મીઓ વાહન ચેકિંગમાં હતા
ગાંધીનગરનાં ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામે હિંમતનગર હાઇવે રોડ પર ગઈકાલે રાતના ચીલોડા પોલીસ મથકના હેડ કૉન્સ્ટેબલ હિરેનકુમાર બાબુલાલ, હોમગાર્ડ જવાનો દશરથભાઈ રેવાભાઈ પટેલ, ઈમરાનમીયાં ઝાલૌરી, જીતેન્દ્રકુમાર રામસિંગભાઇ તથા ઈકબાલશાહ મલેક વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હિંમતનગર તરફથી એક મોટર સાયકલ ચાલક શંકાસ્પદ રીતે પોતાના ખભા ઉપર થેલા ભરાવીને આવી રહ્યો હતો.
હોમગાર્ડ જવાનો ઉપર બાઈક ચઢાવી દીધું
આથી હોમગાર્ડ જવાનોએ બેરીકેટીંગ પાસે ઉભા રહી મોટર સાયકલના ચાલકને ટોર્ચ લાઈટ તથા લાકડીનો ઇશારો કરી ઉભા રહેવા કહ્યું હતું, પરંતુ તેણે બાઈક ઊભું નહીં રાખી હોમગાર્ડ જવાનો ઉપર બાઈક ચઢાવી દીધું હતું. જેથી હોમગાર્ડ દશરથભાઈ તથા ઇમરાનમીયાં રોડ ઉપર ગોળાઈને નીચે પડી ગયા હતા. જેમની સાથે બાઇક ચાલક પણ નીચે પડ્યો હતો.
બૂટલેગર જોર જોરથી બૂમો પાડવા લાગ્યો
જેનાં કારણે તેને માથામાં ઈજાઓ થઈ હતી અને તે થેલા મૂકીને ભાગવા લાગ્યો હતો. એટલે હેડ કૉન્સ્ટેબલ સહીતના જવાનો તેને પકડી પાડયો હતો. ત્યારે બાઇક ચાલક “મે રાજસ્થાન કા રાક્ષસ હું, તુમ પુલીસ વાલો કો ખા જાઉં” તેમ કહી જોર જોરથી બુમો પાડવા લાગ્યો હતો. તે વખતે હોમગાર્ડ જીતેન્દ્રકુમાર મોટર સાયકલ ઊભું કરી રહ્યા હતા. એજ દરમિયાન આ ઈસમે અચાનક હેડ કોન્સ્ટેબલનો જમણો હાથ પકડી જમણા હાથની બીજા નંબરની આંગળી તેના મોઢામાં નાંખી બચકુ ભર્યુ હતું.
પોલીસે બળ પ્રયોગ કરીને પકડી લીધો
બાદમાં જોરશોરથી બૂમો પાડી “મે સેતાન હું તુમ સબ કો ખા જાઉંગા” કહીને ઝપાઝપી કરી હતી અને પોલીસના હાથમાં છટકીને ભાગ્યો હતો. રોડની સાઈડમાં પડેલા પથ્થરો લઈ છૂટા મારવા લાગ્યો હતો. જે હુમલામાં હોમગાર્ડ ઈકબાલશાહ ફકીરને જમણા પગે પથ્થર વાગતાં ઈજા થઈ હતી. આથી પોલીસે બળ પ્રયોગ કરીને તેને પકડી લીધો હતો. જેની વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ કરતાં તેનું રાક્ષકનું ભૂત ઉતરી ગયું હતું અને પોતાનું નામ વિક્રમસિંહ રતનસિંહ પનવર (રહે. અમરાનગર ગલી નંબર-4 ભગવતી સ્કુલ પાસે ભાર્ગવ રોડ કુબેરનગર) હોવાનું જણાવ્યું હતું.
અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 24 બોટલો મળી આવી
​​​​​​​
જેની પાસેના થેલાની તલાશી લેતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 24 બોટલો મળી આવી હતી. જેનાં પગલે તેની ધરપકડ કરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ બાઈક મળીને રૂ. 58 હજાર 770 નો મુદ્દામાલ જપ્ત કરી તેની સારવાર પણ સિવિલમાં કરાવી હતી. જ્યારે હેડ કોન્સ્ટેબલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેમને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની તજવીજ શરૂ કરાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *