તલોદના મોહનપુરા રહેતા અને મહાદેવના મંદિરમાં પૂજારી અગિયારસે પત્નીને લઈને બાઈક પર શામળાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં રણાસણ ચોકડી પાસે ગાડીમાં આવેલા બે ઈસમોએ પતિ પત્નીને ગાડી પાસે બોલાવી પૈસાદાર થવાની લાલચ આપી રૂ.95 હજારની મત્તા લઈને જતા રહેતા તલોદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે.
મોહનપુરામાં રહેતા અને તલોદના મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા નારાયણભાઈ ગીરજાશંકર પંડ્યા 16 ફેબ્રુઆરીના રોજ અગિયારસ હોવાથી તેમના પત્ની મીનાબેન સાથે બાઈક લઈ શામળાજી મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. આ દરમિયાન રણાસણ ચોકડીથી થોડી આગળ દૂર કંપા પાસે જતા એક ફોરવીલ ગાડીમાં આવેલા બે ઈસમોએ તેમની બાઈકને ઓવરટેક કરી તેમણે ઉભા રાખ્યા હતા.
ગાડીમાં બેઠેલા બે માણસો પૈકી એક નગ્ન સાધુએ મંદિરના પૂજારી નારાયણભાઈ પંડ્યાને એક રૂપિયો દક્ષિણા આપવા જણાવી એક રૂદ્રાક્ષ હાથમાં આપીને હવે તમારે દશા બદલાય છે. તમે પૈસાદાર બની જશો એવી લાલચ આપી તમે પૈસાદાર થઇ જશો તેમ કહી પતિ પત્નીને આર્શિવાદ લેવા કહેતા બંને તેમને પગે લાગ્યા બાદ આંખો બંધ કરવા કહેતા બંનેએ આંખો બંધ કરી દીધી હતી.
દરમિયાન નાગા સાધુએ પુજારી નારાયણભાઈના હાથમા પહેરેલી સોનાની વીટીં રૂ. 25 હજારની, તે તેની આંગળીમાં પહેરાવવા કહેતા પુજારી નારાયણભાઈએ હાથમાની વીટી કાઢી તેમને પહેરાવી દીધી હતી અને તેમની પત્ની મીનાબેનના ગળામાં પહેરેલ સોનાની ચેઇન પેન્ડલ સાથે રૂ. 70 હજારની કાઢીને તેમને આપવા કહેતા તેમની પત્નીએ આ સોનાની ચેન તેમને આપી દીધો હતી. ત્યારબાદ પતિ પત્નીએ આંખો ખોલે એટલી વારમાં ફોર વ્હીલ ગાડીમાં આવેલા બે ગઠીયાઓ ત્યાંથી છુમંતર થઇ ગયા હતા. તલોદ પોલીસ મથકે પૂજારીએ અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.