SIT વડાએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ
ઓએસિસ સંસ્થા ખાતે પણ તપાસ કરાઈ
કોઇ મહત્વની કડી હાથ લાગી તેવી ચર્ચા
વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આપઘાતના કેસ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. જેમાં હવે SIT વડાએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું છે. તથા ઓએસિસ સંસ્થા ખાતે પણ તપાસ કરાઈ છે. તેથી કોઇ મહત્વની કડી હાથ લાગે તેવી ચર્ચાઇ રહ્યું છે.
સંસ્થાના શાલીન એપાર્ટમેન્ટ ખાતે પણ તપાસ કરાઈ
સામુહિક દુષ્કર્મના મામલે એક માસથી વધુ સમય થયો છે. છતાં પણ આરોપીઓ પકડાયા નથી. તેથી ગેંગરેપ ઘટના સ્થળનું એસ.આઈ.ટી વડા સુભાષ ત્રિવેદીએ નિરીક્ષણ કર્યું છે. જેમાં વેક્સિન મેદાનથી યુવતીની ઓફિસ સુધીનું નિરીક્ષણ કર્યું છે. તથા ઓએસીસ સંસ્થાના શાલીન એપાર્ટમેન્ટ ખાતે પણ તપાસ કરાઈ છે. તેમજ પીડિતા યુવતીના માતા પિતા ગઈકાલે વડોદરા રેલવે પોલીસ ઓફિસ આવી અધિકારીઓને મળ્યા હતા. જેમાં ઓએસીસી સંસ્થા સામે કાર્યવાહી કરવા અને ઝડપથી આરોપીઓ પકડવાની માંગ કરી હતી.
જાણો શું છે સમગ્ર ઘટના:
નવસારીની યુવતી પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં ટ્રેનમાંથી મળી આવેલા મૃતદેહ કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધતી જાય છે, તેમ-તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. એક તરફ યુવતીના મૃત્યુનું રહસ્યા વધારે ઘેરુ બની રહ્યું છે, ત્યારે આજે સંદેશ ન્યૂઝ પાસે યુવતીના પોસ્ટ મોર્ટમનો એક્સક્લુઝીવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
પીડિત યુવતીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યાનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો છે. જેથી યુવતીએ આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થઈ ગયુ છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીનું શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હોવાનો ઉલ્લેખ થયો છે. નિષ્ણાંતોના મતે ગળે ફાંસો ખાવાના કારણે શ્વાસ રૂંધાવાથી યુવતીના મોતની આશંકા છે. જો કોઈએ ગળુ દબાવીને હત્યા કરી હોય તો, ગળાની આસપાસ ગોળ નિશાન પડે છે.
બીજી તરફ યુવતીના શરીર પરથી મળી આવેલા ઈજાના નિશાન તેની તરફ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના તરફ ઈશારો કરે છે. જ્યારે યુવતીએ ટ્રેનમાંથી સંજીવભાઈ નામના શખ્સને કરેલા મેસેજ મુજબ કોઈ તેનો પીછો કરી રહ્યાં હોવાનો અને હત્યાની થિયરી તરફ ઈશારો કરી રહ્યાં છે. વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં 19 વર્ષીય યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મ કેસમાં ગુનાના 18 દિવસો બાદ SITની રચના કરવામાં આવી હતી. જે બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
પીડિતા પર ગત 29 ઓક્ટોબરે વડોદરાના વૅક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો તેની ડાયરીમાં ઉલ્લેખ છે. પોલીસ દ્વારા 35 ટીમો બનાવવામાં આવી છે અને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 25,000 લોકોની કોલ ડિટેઈલ કાઢવામાં આવી છે. જેમાં 7000 રિક્ષા ચાલકોનો સમાવેશ થાય છે. પોલીસનું માનવું છે કે, જો પીડિતા જીવિત હોત તો કેસ જલ્દી સોલ્વ થઈ ગયો હોત.