ગેરકાયેદસર અમેરિકામાં પહોંચવાની લાયમાં અનેક વખત કેટલાય પરિવારો વિખેરાયાની ઘટનાઓ સામે આવતી હોય છે. તાજેતરમાં જ કલોલના પરિવારના ત્રણ સભ્યો ‘ટ્રમ્પ વોલ’ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દીવાલ ઉપરથી પટકાતાં બ્રિજકુમાર નામના યુવકનું મોત થયું હતું. ગયા વર્ષે ગાંધીનગરના ડિંગુચાનો પરિવાર પણ બરફની ચાદર નીચે દબાઇ ગયો હતો. આમ મોતની મુસાફરી હોવા છતાં કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાતીઓ ગેરકાયદેસર જતાં ખચકાતા નથી. જેમાં કરોડો રૂપિયા એજન્ટો ચાંઉ કરી જાય છે. જોકે, આ વખતે મુસાફરોના નહીં પણ એજન્ટના જ અન્ય એજન્ટોએ એક કરોડ રૂપિયા ખંખેરી લીધાની ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે. કુડાસણમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતાં એજન્ટના પેસેન્જરોને કબૂતરબાજીથી અમેરિકા મોકલવા માટે દિલ્હીના શખ્સોએ એક હોટલમાં રોકડા રૂપિયા દેખાડવા માટેની મિટિંગ કરી હતી. જેમાં એજન્ટને કોઈ પદાર્થ સૂંઘાડી બેભાન કરી દઈ દિલ્હીના લેભાગુ એજન્ટો એક કરોડ રોકડા લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ રીતે રમેશભાઇનો ગોવિંદ નામના એજન્ટ સાથે પરિચય થયો
કહેવત છે ને લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે… આ કહેવતને સાર્થક કરતો કિસ્સો ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરના કે.રાહેજા રોડ કોબાની સાર્થક શ્રીગણેશ સોસાયટીમાં રહેતાં રમેશભાઈ ગોવાભાઈ ચૌધરી પોતાના મૂળ વતન માણસામાં ખેતી ઉપરાંત કુડાસણ રાધે આર્કેડ કોમ્પલેક્ષમાં “ગુડ ઓવરસીસ” નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે. આજથી ચારેક માસ અગાઉ તેમણે માણસાના સૌલૈયા ગામના રાજુ પટેલના વિઝાનું કામ કર્યું હતું. જેના થકી વિઝાનું કામ કરતા એજન્ટ ગોવિંદભાઈ હરજીભાઇ પટેલ (રહે, હાલ મકાન નં-5, બસંત બહાર સોસાયટી, કુડાસણ મૂળ રહે. અંબાસણ મહેસાણા) સાથે પરિચય થયો હતો. ત્યારબાદ ગોવિંદ અવારનવાર રમેશભાઈની ઓફિસે આવતો હતો અને ગેરકાયદેસર વિઝાનું કામ કરવા દબાણ કરતો હતો. જેથી રમેશભાઈએ તેને ઓફિસે આવવાની ના પાડી દીધી હતી.
માત્ર રૂપિયાનો વીડિયો બતાવવાની વાત થઇ
બાદમાં દોઢેક મહિના પછી એજન્ટ ગોવિંદ પટેલે ફોન કરીને રમેશભાઈને કહેલું કે, હાલ દિલ્હીમાં રહેતો અને મૂળ પંજાબ-હરિયાણાનો જાસ બાજવા નામનો એજન્ટ મારો મિત્ર છે. જેને હું ત્રણ વર્ષથી ઓળખું છું. જેનું કામ સારું છે અને હાલ એક કપલના પાસપોર્ટ મારી પાસે છે. જેઓને અમેરિકા મોકલવા જાસ બાજવા લેન્ડિંગ પેમેન્ટની શરતે કામ કરવા રેડી છે. તમે રૂપિયાનું રોકાણ કરો તો તગડો ફાયદો થશે. આપણે માત્ર રૂપિયાનો વીડિયો બનાવીને જાસ બાજવાને બતાવવાનો છે. આ સાંભળી રમેશભાઈના મનમાં લાલચ જાગી હતી.
27 જાન્યુઆરીએ પેસેન્જરોને લઇ એજન્ટો દિલ્હી ગયા
બાદમાં રમેશભાઈ, ગોવિંદ પટેલ અને અન્ય એક દિવ્ય પંચાલ નામના એજન્ટ ભેગા થયા હતા. ત્યારે દિવ્ય પણ તેના બે પેસેન્જરોને ઉક્ત શરતે મોકલવા તૈયાર થઈ ગયો હતો. જેમાં પેસેન્જરોને ફેબ્રુઆરી-2023ના પહેલા વીકમાં મોકલવાની વાત થઈ હતી, પરંતુ ગોવિંદ પટેલે 27 જાન્યુઆરીએ પેસેન્જરોને દિલ્હી જવા તૈયાર રહેવા કહ્યું હતું. જે અન્વયે નક્કી થયા મુજબ રૂપિયાનો વીડિયો બનાવીને રમેશભાઇએ 25 જાન્યુઆરીએ ગોવિંદને મોકલી આપ્યો હતો. બીજા દિવસે 26 જાન્યુઆરીએ ત્રણેય તેમજ રમેશભાઇ વેલાભાઇ ચૌધરી (રહે. અમરપુરા ખરણા) તથા દિવ્યનો પેસેન્જર મિત્ર ભાવિક ચૈાધરી (રહે. બાલવા) કુડાસણ ભેગા થયા હતા. જ્યાં દિવ્યએ રમેશ, ગોવિંદ અને ચાર પેસેન્જરોની દિલ્હી જવા ટ્રાવેલ્સની ટિકિટ બુક કરાવી હતી.
રૂપિયાનો વીડિયો નહીં રૂબરૂ બતાવવાની વાત થઇ
બાદમાં બધા દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં એક હોટલમાં જાસ બાજવાને મળ્યા હતા. ત્યારે તેણે રૂપિયાનો વીડિયો નહીં પણ રૂબરૂ બતાવવાની વાત કરી હતી. જેની જાણ રમેશભાઈએ દિવ્યને કરી હતી. જે પણ રૂપિયા બતાવવા તૈયાર થઈ જતાં જાસ બાજવાના બે માણસો મહેસાણા પહોંચ્યા હતા. જોકે, કોઈ કારણસર મિટિંગ થઈ શકી ન હતી. જેથી બીજા દિવસે રમેશભાઈએ બાજવાના માણસોને સરગાસણની એક હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી.
દિલ્હીથી બે માણસો રૂપિયા જોવા ગાંધીનગર આવ્યા
આ દરમિયાન દિવ્ય પાસે એ વખતે 25 લાખ હોવાથી પેસેન્જરોને અમેરિકા મોકલવાનું કામ અટકી ગયું હતું. ગોવિંદ અને દિવ્ય તેમજ પેસેન્જરો દિલ્હી રોકાયા હતા. જ્યારે રમેશભાઈ દિલ્હીથી ફ્લાઈટમાં પરત આવી ગયા હતા અને અલગ અલગ મિત્રો પાસેથી પહેલાં 55 અને પછી 20 એમ કુલ એક કરોડની વ્યવસ્થા કરી દીધી હતી. એ વખતે બાજવાના માણસોએ ઉક્ત હોટલમાં ભીડ બહુ હોવાનું કહી બીજે રહેવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. જેથી રમેશભાઈએ તેના મિત્ર જયમીન પટેલ સાથે ભાઈજીપુરા પાટિયા નજીકની એક હોટલમાં ગોઠવણ કરી હતી. બાદમાં દિલ્હીના માણસોની સામે રૂમમાં રૂપિયા ગણીને કબાટમાં મૂક્યા હતા અને રાત્રીના બધા જમીને સૂઇ ગયા હતા.
રમેશભાઇ સૂઇ ગયા ને પાછળથી દિલ્હીના માણસો એક કરોડ લઇ ગાયબ
રાત્રીના અચાનક ગભરામણ જેવું લાગતા રમેશભાઈ ઊઠી ગયા હતા અને તેમના છાતીના ભાગે ગાદલું હતું. તેમજ રૂમમાં પણ કોઈ દેખાયું ન હતું. જ્યારે કબાટમાંથી રૂપિયા પણ ગાયબ હતા. ત્યારે જયમીન પટેલનો ફોન આવેલો કે, બે માણસો રૂપિયા લઈને વોક્સ વેગન ગાડીમાં નાસી ગયા છે. બાદમાં રમેશભાઈએ ગોવિંદ અને દિવ્ય સહિતના પેસેન્જરોને પરત ગાંધીનગર બોલાવી લીધા હતા. આ અંગે રમેશભાઈએ દિલ્હીના જાસ બાજવા, અમિત ઉર્ફે અમરીનદર સહિતના ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.