પાટણની જનતા હોસ્પિટલને રૂ.૪૫ લાખના ઓક્સિજન પ્લાન્ટની ભેટ
પાટણ નગર તથા અાજુબાજુના અનેક ગામોની આરોગ્ય સેવા માટે આશીર્વાદરૂપ પાટણની જનતા હોસ્પિટલને જાગૃત, કાર્યશીલ અને કોરોનામાં લોકસેવા માટે કાર્યરત પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલના પ્રયાસોને જહેમતથી મુક્તપુરના સ્વ. મેનાબહેન કાનજીદાસ પટેલના સ્મરણાર્થે તેમની સ્મૃતિમાં તેમની ૨૧મી પુણ્યતિથિએ દાતાઓ મક્તુપુરના વતની અને અનંતા પ્રોકોન પ્રા. લિ.ના માલિક કાનજીભાઈ અમથારામ પટેલ તથા એસ. આર. એન્જિનિયરીંગ કોલેજના સંસ્થાપક અને અજય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.ના માલિક મકતુપુરના વતની રમેશભાઈ હીરાભાઈ પટેલ અને કલ્યાણાના વતની કાંતિભાઈ જોઈતારામ પટેલ દ્વારા રૂ. ૪૫ લાખના ખર્ચે ૨૦ મેટ્રિક ટન ઓક્સિજનની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટનું દાન અાપવામાં આવતાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખને દાતા કાનજીભાઈ પટેલ મકતુપુરના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રમેશભાઈ પટેલ, ચિરાગ રમેશભાઈ પટેલ, રાજેન્દ્ર કાનજીભાઈ પટેલ તથા કાંતિભાઈ જોઈતારામ પટેલ વગેરે પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ને પૂજનવિધિ કરી હતી. હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલ તથા મેનેજિંગ ડિરેક્ટર ડૉ. પ્રમોદ પટેલે મહેમાનો તથા દાતાઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે વેપારી અગ્રણી સુરેશ સી. પટેલ, ડૉ. જે. કે. પટેલ, જયંતિલાલ પટેલ, કાનજીભાઈ બી. પટેલ, વરિષ્ઠ નાગરિકને પૂર્વ આચાર્ય નારણભાઈ ઠક્કર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્લાન્ટમાં ૧ મિનિટમાં ૩૫૦ લિટર ઓક્સિજન પેદા થશે ને રોજનો ૫ લાખ લિટર ઓક્સિજન પેદા કરી શકાશે. અત્રે નોંધવું ઘટે કે કલ્યાણાના કાંતિભાઈ જોઈતારામ પટેલ તરફથી તેમના પિતા સ્વ. જોઈતારામ દેવીદાસના સ્મરણાર્થે હોસ્પિટલને રૂ.૭ લાખ ૨૦ હજારની કિંમતનું વેન્ટીલેટર પણ ભેટ આપવામાં આવ્યું હતું.