થરાદ-સાંચોર હાઇવે પર શનિવારની રાત્રે એક ટેન્કર અને બે ટ્રેલર વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં ભારતમાલા રોડની કામગીરી કરતા ટેન્કર ચાલકનું રોંગસાઇડમાં આવવાથી મોત થયું હતું. બનાવને પગલે અરેરાટી પ્રસરી જવા પામી હતી. થરાદ અને રાહની 108 દ્વારા ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવના પગલે ટ્રાફિક જામ થયો હતો. લોકોનાં ટોળાં દોડી આવ્યાં હતાં.શનિવારે રાત્રે પોણા આઠના વાગ્યાના સુમારે પીલુડા અને મેસરા રોડ પર બે ટ્રેલર સાંચોર તરફથી થરાદ તરફ આવી રહ્યાં હતાં. જ્યારે ભારતમાલા રોડ પર જ કામગીરી કરતો ટેન્કર ચાલક રોંગ સાઇડમાં સામેથી આવી રહ્યો હતો. એક ટ્રેલર પણ પુરઝડપે બીજાથી ઓવરટેક કરી રહ્યું હતું.
આવા સમયે સામેથી આવેલા ટેન્કર સાથે ત્રણેયનો અક્સ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં માથું ફુટી જવાથી જ ટેન્કર ચાલકનું બે વાહનોમાં ફસાઇ જતાં મોત નિપજ્યું હતું. જ્યારે બંન્ને ટ્રેલરના ચાલક અને ખલાસી મળીને ચાર વ્યક્તિઓને ઇજા થતાં રાહ 108ના પાયલોટ ભરત ઠાકોર અને ઇએમટી અશોકભાઇ સાધુ તથા થરાદના પાયલોટ રાજુભાઇ પરમાર અને વિક્રમભાઇ પ્રજાપતિ પણ દોડી આવ્યા હતા. બંન્ને એમ્બ્યુલન્સ દ્વારા બે-બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યારે ફસાયેલા ચાલકને જેસીબી વડે બહાર કાઢવામાં આવ્યો હતો.