ડીસા તાલુકાના ભડથ ગામે દારૂના અડ્ડા પર પોલીસે રેડ કરી નવ શખ્સોની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડીસા તાલુકા પોલીસે ગાડી અને દારૂ બનાવવાના સામાન સહિત 2.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકાના ભડથ ગામે દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળતા જ ડીસા તાલુકા પોલીસ સતર્ક બની તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત ભડથ ગામની સીમમાં આવેલા ગંભીરજી વાઘેલાને ત્યાં રેડ કરતા દારૂ વેચતા હોવાનું માલુમ પડ્યું હતું. જ્યાં પોલીસની તપાસ દરમિયાન ખેતર માલિક દારૂ બનાવી પગારથી માણસો રાખી ગ્રાહકોને બોલાવી વેચતા હોવાનું જણાયું હતું. જેથી પોલીસે સ્થળ પરથી ઇકો ગાડી સહિત દારૂ બનાવવા માટે માટેનો વોશ, પવાલી ઇલેક્ટ્રીક હીટર મોબાઈલ અને રોકડ સહિત કુલ 2.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દારૂ વેચવા માટે રાખેલા માણસો અને ગ્રાહકો સહિત કુલ નવ લોકોની અટકાયત કરી હતી.
ડીસા તાલુકા પોલીસેની રેડ દરમ્યાન દારૂનો અડ્ડો ચલાવનાર ખેતર માલિક ફરાર થઈ ગયા હતા. જેથી ડીસા પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી ખેતર માલિક સહિત કુલ 10 લોકો સામે ફરિયાદ નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.