ડિવાઇડ એન્ડ રૂલ્સ શરૂ થતા આંદોલન ઠરી ગયું
ગુજરાતમાં 229 પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી
પોલીસના ગ્રેડ-પે આંદોલનને ઠારવા ડિવાઇડ એન્ડ રૂલ્સ બાદ હવે ઉચ્ચ અધિકારીઓએ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા પોલીસ કર્મચારીઓ સામે પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્ય પોલીસ વડા-DGP આશિષ ભાટીયાના આદેશ બાદ 24 કલાકમાં જ ગુજરાતમાં 229 પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
જેઓ સામે પડ્યા છે તેમની સામે કાયદો અને શરણાગતિ સ્વીકારનારને ફાયદો એ સિદ્ધઆંત વડોદરા હેડ ક્વાર્ટસમાં એક જ દિવસમાં 105 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવાની પણ ઘટના બહાર આવી હતી. પાંચ દિવસથી ચાલતા આંદોલનમાં શુક્રવારે સવારથી જ પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની નોટિસો છૂટવાનું શરૂ થઇ ગયું હતું. જેમાં સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓના ધરણાં મુદ્દે પોલીસ ઇન્સપેકટર સામે જ ઇન્કવાયરીનો આદેશ ફાટ્યો છે. એટલું જ નહીં રાજ્યભરમાં એક જ દિવસમાં ગ્રેડ-પે બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરમાર્ગે દોરનારા પોલીસ કર્મચારીઓ સહિતના વ્યક્તિઓ સામે 6 જેટલી એફઆઇઆર પણ વધી ગઇ હતી.
ગુરૂવારે સાંજે DGP ભાટિયાએ કુલ 4 ફોજદારી ગુના નોધ્યાનું જાહેર કર્યું હતું. શુક્રવારે સાંજે પોલીસને ગેરમાર્ગે દોરવા સબબ રાજ્યમાં કુલ 27 વ્યક્તિઓ સામે 10 ફઓજદારી ગુના નોંધાયા હતા. આ પ્રકારે આડેધડ ઇન્કવાયરીના આદેશોથી પોલીસ કર્મચારીઓમાં ભારે રોષ ભભૂક્યો છે.
