28મીએ ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સોના, ચાંદી, ચોપડાની શુકનવંતી ખરીદી થશે
ગુરુવારે સવારે 9.42થી પુષ્યનક્ષત્ર શરૂ થશે અને શુક્રવારે બપોરે 11.39 વાગ્યા સુધી રહેશે
સોના-ચાંદી, ચોપડા બજારમાં સળવળાટ
ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે દિવાળી-નવા વર્ષની ઉજવણીમાં થોડે ઘણે અંશે ફિક્કો માહોલ દેખાતો હતો. આ વર્ષે કોરોના કાબૂમાં આવવાની સાથે જ નિયંત્રણો હળવા કરી દેવાયા છે. જેને પગલે છેલ્લા એક અઠવાડિયાથી બજારમાં ખરીદીનો ધમધમાટ દેખાઇ રહ્યો છે. તેમાં પણ હવે આગામી ગુરુવારે 28 ઓક્ટોબરે ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગની સાથે જ સોના, ચાંદી, ચોપડાની ખરીદી થશે. જેને પગલે બજારમાં હલચલ દેખાઇ રહી છે. શુકનવંતી ખરીદી સાથે જ દિવાળી પર્વની ઝાકમઝોળ પણ શરૂ થશે.
ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગનો અનોખો સંયોગ
હિન્દુ પંચાગ-શાસ્ત્રોમાં 27નક્ષત્રોમાં 8મું પુષ્યનક્ષત્ર ગણાય છે. પુષ્ય એ નક્ષત્રોના રાજા કહેવાય છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ એ શુભત્વનો કારક છે. ઘણા ગ્રંથોમાં શનિ મહારાજને નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે. એટલે બન્ને દૃષ્ટિથી ગણીએ તો પુષ્યનક્ષત્ર એ શનિ મહારાજ અને ગુરુ મહારાજના આવરણમાં આવતું નક્ષત્ર છે.

ગુરુવારે આસો વદ સાતમના રોજ સવારે 9.42 વાગ્યા સુધી પુનઃવર્સુ નક્ષત્ર છે. ત્યારબાદ પુષ્યનક્ષત્ર શરૃ થાય છે. શુક્રવારે 29 ઓક્ટોબરે બપોરે 11.39 વાગ્યા સુધી પુષ્યનક્ષત્ર રહે છે. જોકે, પુષ્યનક્ષત્ર ગુરુવારના રોજ આવતો હોય તો અત્યંત શુકનવંતો ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ બને છે. આ ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ શુક્રવારે વહેલી સવારે 6.50 વાગ્યા સુધી રહે છે.
શુભ ચોઘડિયામાં કરો ખરીદી
ગુરુવારના રોજ કાલાષ્ટમી અને અહોચી અષ્ટમી પણ છે. ચોઘડિયાની દૃષ્ટિએ નજર કરવામાં આવે તો ગુરુવારે બપોરે 12.22થી 1.48સુધી લાભ ચોઘડિયું, બપોરે 1.48થી 3.13 સુધી અમૃત અને સાંજે 4.39થી 6.05 સુધીના શુભ ચોઘડિયામાં ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. આ વર્ષે દિવાળી પહેલા ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સાથે જ સોના, ચાંદી અને ચોપડાની શુકનવંતી ખરીદી થશે.
