પોસીના, ખેરાલુ અને દાંતામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ
11 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ, પાંચ તાલુકામાં અઢી ઈંચથીવધુ
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુરૂવાર અને શુક્રવારે એમ બે દિવસ દરમિયાન ભારેથી હળવો વરસાદી માહોલ સર્જાયો હતો. મુખ્યત્વે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અષાઢ જેવો ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. બે દિવસ દરમિયાન સવા સો જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમા સૌથી વધુ સાબરકાંઠાના પોસીના, મહેસાણાના ખેરાલુ અને બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચાર ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં થોડા સમય માટે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સિધ્ધપુરમાં અઢી ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો
આ સિવાય રાજ્યના 11 તાલુકા પાલનપુર, વડાલી, વલસાડ, વાપી, ખેડબ્રહ્માં, સરસ્વતી, વડગામ, તીલકવાડા, સતલાસણા, પલસાણા અને પાટણમાં પણ ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાંચ તાલુકા ઈડર, ભુજ, સમી, સાંતલપુર અને સિધ્ધપુરમાં અઢી ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો શરૂ થયો
અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતાં બુધવાર મોડી સાંજથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો શરૂ થયો હતો. ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો સતત વરસાદ ચાલુ રહ્યો હતો.
સરકાર ખેડૂતોને સહાયરૂપ બને તેવી પણ માગ ઉઠી
કમોસમી વરસાદના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં મુકશાની જવાની ભીતિ છે. પાકને તો નુકશાન જશે જ જશે પરંતુ ચોમાસુ વરસાદમાં તૈયાર થયેલો ઘાસચારો પણ પલળી ગયો હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલની સમયમા 2 ઈંચ કરતા વધુ વરસાદ થાય તો તે ઘણુ નુકાશન કરે છે. પરંતુ 15 જેટલા તાલુકાઓમાં 3 ઈંચથી લઈને સવા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેથી સરકાર ખેડૂતોને સહાયરૂપ બને તેવી પણ માગ ઉઠી છે.