ગાંધીનગરના શીહોલીની એલીગન્સ સોસાયટીના બંધ ફ્લેટના તાળા તૂટયા, તસ્કરો દાગીના – રોકડ મળીને રૂ. 4.88 લાખની મત્તા ચોરીને ફરાર

Views 122

ગાંધીનગરના શીહોલી મોટી ગામે આવેલા એલીગન્સ સોસાયટીમાં બંધ ફલેટના તાળાં તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રૂ. 1.70 લાખ રોકડા મળીને કુલ રૂ. 4.88 લાખની મત્તા ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ જતાં ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના શીહોલી મોટી ગામે એલીગન્સ સોસાયટી ફ્લેટ નંબર બી/ડી – 104માં રહેતા મૂળ ડભોડાના વતની રમેશભાઈ દંતાણી કપડવંજ ખાતે ઘૂંઘટ ફોટો સ્ટુડિયો પોતાના દીકરા સાથે ચલાવે છે. જેમના ફ્લેટની સામે તેમનો દીકરો મહેન્દ્ર ફ્લેટ નંબર 101 માં રહે છે. ગત તા. 24 મી જાન્યુઆરીનાં રોજ રમેશભાઈ પત્ની સાથે ડભોડા ગયા હતા. જ્યાંથી કપડવંજ અપડાઉન કરતા હતા.

જ્યારે તેમનો બીજો પુત્ર હેમેન્દ્ર તેની ગર્ભવતી પત્નિ મનીષા સાથે ઉક્ત 104 નંબરના ફ્લેટમાં રહેવા આવ્યા હતા. ગઈકાલે સવારે બંને ભાઈઓ કપડવંજ સ્ટુડિયો ઉપર ગયા હતા. જો કે લગ્નના ફોટા પાડવાનો ઓર્ડર હોવાથી મહેન્દ્ર એકલો જ ઘરે પરત આવ્યો હતો. ત્યારે રાત્રે હેમેન્દ્રની પત્ની મનીષા સામેનાં ફ્લેટમાં રહેતાં મહેન્દ્રના ઘરે સૂવા માટે ગઈ હતી. એ વખતે મહેન્દ્ર એ ફ્લેટને તાળું માર્યું હતું.

આજે સવારે મહેન્દ્રએ ઉક્ત ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું. બાદમાં અંદર રૂમમાં જઈને તપાસ કરતાં સામાન વેર વિખેર પડ્યો હતો. અને ત્રણ તિજોરીઓનાં તાળા તોડી અંદરથી રૂ. 1.70 લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું. બનાવની જાણ થતાં રમેશભાઈ પણ ફ્લેટ ઉપર દોડી આવ્યા હતા.

બાદમાં સોસાયટીમાં તપાસ કરતાં કમ્પાઉન્ડ વોલની લોખંડની જાળી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. આથી તસ્કરો કમ્પાઉન્ડ વોલ થકી સોસાયટીમાં પ્રવેશી ફ્લેટમાં ચોરી કરીને નાસી ગયાની અનુમાન કરી પોલીસને બોલાવી લેવામાં આવી હતી. આ અંગે ચીલોડા પોલીસે રૂ. 4.88 લાખની ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *