ગાંધીનગરના કોલવડા ગામનાં ભૂવાએ તકલીફો દૂર કરવાના બહાને ગામની જ પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી ગળાફાંસો ખાઈ આપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો કિસ્સો સેકટર – 21 પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. માતાજીની બાધા કરવાના બહાને ભૂવો ઈચ્છા થાય ત્યારે ઘરે પહોંચી પરણિત પ્રેમિકાને પોતાની સાથે લઈ જઈ અનૈતિક સંબંધો બાંધતો હતો ત્યારે નવાઈની વાત છે કે આ બધું પતિ પણ જાણતો હતો.
ભૂવાના પ્રેમમાં અંધ બની ગળાફાંસો ખાઈ લીધો
ગાંધીનગરના કોલવડા ગામમાં અનૈતિક સંબંધોના કારણે વધુ એક પરિવારનો માળો વીખરાઈ ગયો છે. કોલવડા ઘનશ્યામ પટેલની અનૈતિક સંબંધોના કારણે પત્ની – દીકરીએ ભેગા મળીને નિર્મમ હત્યા કરી દેવાઈ હતી. પોતાના પ્રેમી સાથે રહેવાની ઘેલછામાં ઘનશ્યામની પત્નીએ જ દીકરી સાથે મળીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે ગામની એક પરિણીતાએ ભૂવાના પ્રેમમાં અંધ બની ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પરિણીતાના લગ્ન દસ વર્ષ અગાઉ થયાં હતાં
ગાંધીનગરના કોલવડા ગામની પરિણીતાના લગ્ન આજથી દસ વર્ષ અગાઉ થયાં હતાં. લગ્ન પછી દંપતી સેકટર – 23 નાં સરકારી મકાનમાં રહેતું હતું. બાદમાં સસરા નિવૃત થતા સેકટર – 26 ગ્રીનસિટી સોસાયટી ખાતે રહેવા ગયા હતા. આ લગ્ન જીવનથી તેઓને 11 વર્ષનો દિકરો પણ છે. ત્યારે કોલવડા ગામમાં રહેતાં ભૂવા પ્રવીણસિંહ ઠાકોર નામના ભૂવાના સંપર્કમાં પરિણીતા આવી હતી.
પરિણીતા વિધિના બહાને ભૂવા સાથે ઘરેથી નીકળી જતી
ઘરની બધી તકલીફો પૂરી કરવાના બહાને ભૂવાએ માતાજીની બાધાઓનાં નામે પરિણીતા સાથે ગાઢ સંબંધો બનાવી દીધા હતા. ગામની જ પરિણીતાને ભૂવાએ પ્રેમ જાળમાં એવી ફસાવી હતી કે, પરિણીતા રાત દિવસ જોયા વિના ગમે ત્યારે ભૂવા સાથે વિધિના બહાને ઘરેથી નીકળી જતી હતી. સમય જતાં બન્ને વચ્ચે અનૈતિક સંબંધો હોવાની જાણ પતિને થઈ ગઈ હતી. જેથી તે પત્નીને ઘણું સમજાવતો રહેતો પરંતુ ભૂવાની પ્રેમ જાળમાં ફસાયેલી પરિણીતા અવૈધ સંબંધોનો અંત લાવવા તૈયાર ન હતી.
ભૂવાએ મોબાઇલ ફોન પણ ભેટમાં આપ્યો
એટલે સુધી કે પરિણીતાને ભૂવાએ મોબાઇલ ફોન પણ ભેટમાં આપ્યો હતો. જેનાં થકી બંને પતિની હાજરીમાં જ પત્ની પ્રેમાલાપ કરતી રહેતી હતી. જેઓની વાતો પણ પતિ સાંભળતો હતો. જો કે સમાજમાં આબરૂ જવાની બીકે પતિ પાસે ચૂપ રહેવા સિવાય કોઈ રસ્તો ન હતો. ગત તા. 22 મી ડિસેમ્બર 2022 ના રોજ બપોરના સમયે પરિણીતા ભૂવાને મળવા ગઈ હતી. અને તેનો દીકરો ટયુશન ગયો હતો. આ દરમ્યાન પતિ મસાલો ખાવા ઘરની બહાર નિકળ્યો હતો.
ભૂવાએ ફોન કરીને પતિને કહ્યું – ‘તારી પત્ની મારી સાથે રહેવાની જીદ કરે છે’
ત્યારે ચારેક વાગ્યાના અરસામાં ભૂવાએ ફોન કરીને પતિને કહ્યું હતું કે, તારી પત્ની મારી સાથે રહેવાની જીદ કરે છે. મેં સમજાવી પણ માનતી નથી. તું જલ્દી ઘરે જા એ ગળાફાંસો ખાઈ લેશે. આ સાંભળીને પતિ દોડતો ઘરે ગયો હતો. ઘણીવાર દરજજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તેણે બારીનો કાચ તોડી રૂમમાં જોતાં પત્ની પંખાએ દુપટ્ટા વડે ફાંસો ખાઇને લટકી ગઈ હતી. એ દરમિયાન ભૂવો પણ દોડી આવ્યો હતો. અને લાશને નીચે ઉતારવામાં આવી હતી. ત્યારે મોકો જોઈને ગિફ્ટમાં આપેલો મોબાઇલ લઈને ભૂવો જતો રહ્યો હતો અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
માસીની દીકરીએ હકીકત વર્ણવી
આ બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જો કે એ સમયે પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ ન હતી. ત્યારે પરિણીતાના ભાઈએ ગામના રહેતી માસીની દીકરીને પૂછતાં જાણવા મળ્યું હતું કે, મૃતક તેની સાથે મનની સઘળી વાત કરતી હતી. અને કહેતી હતી કે તેને ભૂવા સાથે પ્રેમ સંબંધો હોવાથી તેની સાથે રહેવા માંગે છે. પણ ભૂવો તેનો ઉપયોગ કરે છે અને સાથે રહેવા તૈયાર નથી. આખરે પોતાની બહેનને પ્રેમ જાળમાં ફસાવી આપઘાત કરવા માટે મજબૂર કરનાર ભૂવા વિરૃધ્ધ કોબા ખાતે રહી પી.જી હોસ્ટેલ ચલાવતાં ભાઈએ સેકટર – 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.