અંદાજે 12 વખત ડ્રગ્સ પાર્ટી યોજી હોવાનો ખુલાસો
રમાડા સિવાય ખાનગી ફાર્મહાઉસમાં પાર્ટી કરી
અમેરિકાથી પાર્સલમાં અમદાવાદ ડ્રગ્સ મંગાવવાના કેસમાં પોલીસ તપાસમાં સ્ફોટક માહિતી સામે આવી છે. જેમાં અમદાવાદમાં 12 વખત ડ્રગ્સ પાર્ટી યોજી હોવાનો ખુલાસો થયો છે. તથા SG હાઈવેની રમાડા હોટેલમાં ડ્રગ્સ પાર્ટી થતી હતી. તથા ડ્રગ્સ ડિલર વંદિત પટેલે મિત્રો સાથે ડ્રગ્સ પાર્ટી યોજી હતી. તેમજ અન્ય ખાનગી ફાર્મહાઉસમાં પણ પાર્ટી યોજાઈ હતી.
પોલીસ તપાસમાં મહત્વની માહિતી સામે આવી
અમેરિકાથી પાર્સલમાં ડ્રગ્સ મંગાવી વેચાણ કરવાના મામલે પોલીસ તપાસમાં મહત્વની માહિતી સામે આવી છે. જેમાં અમદાવાદની એસજી હાઇવે પર આવેલી રમાડા હોટલમાં ડ્રગ્સ ડીલર વંદિત પટેલ રૂમ બુક કરાવી મિત્રો સાથે ડ્રગ્સ લેતો હોવાનુ સામે આવ્યુ છે.
જાણો શું છે સમગ્ર ઘટના :
16 નવેમ્બરે બોપલમાંથી ડ્રગ્સ રેકેટના થયેલા પર્દાફાશ બાદ પોલીસ તપાસમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થયા છે. છેલ્લા બે વર્ષમાં આરોપી વંદિત પટેલે અમેરિકાથી 300થી વધુ પાર્સલ મંગાવી આશરે 100 કિલોથી વધુનુ ડ્રગ્સ વેચ્યુ છે. આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના 50થી વધુ સરનામા પર 10 કરોડથી વધુની કિમંતના ડ્રગ્સની ડિલેવરી મેળવી હોવાની કબુલાત કરી છે. જેમાથી 4 કરોડના વ્યવહાર ઈથરીયમ, લાઈટકોઈન, બિટ કોઈન જેવી ક્રિસ્ટોકરન્સી મારફતે ચૂકવ્યા હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. સાથે જ વંદિતે મંગાવેલા 27 પાર્સલમાંથી 24 પાર્સલ કસ્ટમ વિભાગે કબ્જે કર્યા છે. જે પાર્સલ પણ પોલીસે કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે.
ગ્રામ્ય પોલીસે વંદિત પટેલ. પાર્થ શર્મા, વિપલ ગૌસ્વામી અને જીલ પરાતેની ધરપકડ કર્યા બાદ પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપી અલગ-અલગ વ્યક્તિના નામ અને સરનામે પાર્સલ મંગાવતા હતા. ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમા ડ્રગ્સ અમેરિકાથી અમદાવાદ આવતુ હતુ. સાથે જ આરોપીની પુછપરછ કરતા વિપલ ગૌસ્વામી નામનો આરોપી આંતરરાષ્ટ્રીય ડ્રગ ડિલર વિક્કી ગૌસ્વામીનો ભત્રીજો હોવાનુ સામે આવ્યુ છે. જેથી વિક્કી ગૌસ્વામીની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે. વંદિતે ઓનલાઈન ડ્રગ્સ સાઈટ જેવી કે ગ્લેન રીયેલ સ્ટુડીયોઝ, લાઈફ ચેન્જીસ હેલ્થ કેર નામની વેબસાઈટ પરથી ડ્રગ્સ મંગાવી વીકર મી, સ્નેપ ચેટ અને ટેલીગ્રામ જેવી એપ્લિકેશન ની મદદથી ડ્રગ્સ પેડલરો થકી ડ્રગ્સનુ વેચાણ કરતો હતો.
વંદિત પટેલની પુછપરછ કરતા ખુલાસો થયો કે, તે પોતે વર્ષ 2012થી ડ્રગ્સનો નશો કરે છે, અને અલગ-અલગ ડ્રગ્સની અસર થાય છે તેની પણ માહિતી ધરાવે છે. સાથે જ વંદિતે ન માત્ર અમેરિકા પરંતુ મુંબઈ અને હિમાચલમાંથી પણ ડ્રગ્સ મંગાવ્યુ હતુ. અને પોતાના મિત્રો કે જે ન્યૂઝીલેન્ડ અને ચીનમાં રહે છે તેમને પણ ડ્રગ્સની ડિલેવરી અમેરિકાથી અપાવી હતી. સાથે જ વંદિત દિલ્હી, મુંબઈમાં જઈ ડ્રગ્સ પાર્ટીનુ આયોજન કરતો હતો. જેથી તે ન માત્ર અમદાવાદ પરંતુ અન્ય રાજ્યોમાં પણ પોતાનો ડ્રગ્સનો વેપલો ચલાવી શકે.
અમેરિકન ડ્રગ્સનો ઉપયોગ કરનાર મોટા ભાગે વિદ્યાર્થીઓ હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે અલગ-અલગ ઈન્સ્ટીટ્યુટમાં પણ તપાસનો દોર શરૂ કર્યો છે. સાથે જ વિદ્યાર્થી સુધી ડ્રગ્સ કોણ પહોંચાડતુ હતુ. જે અંગે પણ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ક્રીપ્ટોકરન્સીથી પેમેન્ટ ચુકવાતુ હોવાથી પોલીસે ડ્રગ પેડલરોના ક્યુઆર કોડ પણ કબ્જે કર્યા છે. જેના આધારે ડિજિટલ કરન્સીનો ઉપયોગ, કોણ, ક્યાંથી અને કેવી રીતે કરે છે તેની તપાસ કરવામાં આવશે.
પોલીસ તપાસમાં 50 સરનામે 300થી વધુ પાર્સલની ડિલેવરી કરવામાં આવી હતી. અને તે અંગે તપાસ કરતા ઉદેપુરની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થી આકાશનુ નામ સામે આવે છે, કારણ કે તેના સરનામે પણ ડ્રગ્સ મોકલવામાં આવ્યુ હતુ. સાથે જ સરનામુ અને પાર્સલ છોડાવી આપનારને આરોપી 7000 રૂપિયા ચુકવતો હોવાનો ખુલાસો થયો છે. જે અંગે પોલીસે ઈ કાર્ગો દ્વારા પાર્સલ મોકલનાર કંપંની પાસેથી પણ તમામ ડેટા માંગવામાં આવ્યા છે. જેથી તે અંગે પણ તપાસ થઈ શકે. સાથે જ હવે પોલીસ શૈક્ષણીક સંસ્થાઓ પર પણ તપાસનો દોર શરૂ કરશે.