શહેરમાં પ્રદૂષણ ફેલાવતા 5,000 ઉદ્યોગોના ડ્રેનેજ જોડાણ કાપવાનું શરૂ
શુક્રવાર સુધીમાં ૨૫ જેટલા કનેક્શન કાપી નાખવામાં આવ્યાં, ઝોનવાઇઝ અધિકારીને જવાબદારી સોંપી દેવાઈ
હાઈકોર્ટે 21 ઓક્ટોબરે આકરા શબ્દોમાં ખખડાવતા AMCનો નિર્ણય
અમદાવાદ શહેરમાં ધમધમતી પાંચ હજાર જેટલી ઈન્ડસ્ટ્રીઝના ડ્રેનેજ જોડાણ કાપી નાખવાનો અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય કર્યો છે. હાઈકોર્ટે 21 ઓક્ટોબરે કરેલા આદેશના પગલે હરકતમાં આવેલા મ્યુનિ.તંત્રે છેલ્લા બે દિવસથી જોડાણ કાપવાના અભિયાનનો આરંભ કર્યો છે. શુક્રવાર સુધીમાં ૨૫ જેટલી ઈન્ડસ્ટ્રીઝના જોડાણ કાપી નખાયા છે.
સાબરમતી નદીના પ્રદુષણ મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે 21 ઓક્ટોબરે આકરું વલણ અપનાવી મ્યુનિ.તંત્રને આકરા સવાલો કર્યા હતા. સાથોસાથ શહેરમાં ગેરકાયદે રીતે જે ઔદ્યોગિક એકમોએ તેમના ડ્રેનેજના જોડાણ જોડયા હોય તેને શોધીને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેના અનુસંધાને મ્યુનિ.તંત્ર હરકતમાં આવ્યું છે.
મ્યુનિ. સૂત્રોના જણાવ્યા મુજબ આ આદેશના પગલે અધિકારીઓએ તપાસ કરાતાં એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે શહેરના ઔદ્યોગિક એકમોના કોઈ કાયદેસરના જોડાણ છે જ નહીં. આથી શહેરમાં જેટલી પણ ઈન્ડસ્ટ્રીઝ ધમધમતી હોય તે તમામના ડ્રેનેજના જોડાણ કાપી નાખવામાં આવે. આ મુદ્દે સહમતિ સધાતા ડેપ્યુટી મ્યુનિ.કમિશનર આર.કે.મહેતાના આદેશથી ત્રણેક દિવસ પહેલાં દરેક ઝોનને અને મ્યુનિ.ના ડ્રેનેજ ખાતાને તાકીદે કાર્યવાહી કરવા પત્ર લખાયો હતો.
મ્યુનિ. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં શહેરમાં અંદાજે પાંચેક હજાર જેટલી ઈન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે. આ પૈકી કેટલાક ઔદ્યોગિક એકમોને તેમના શૌચાલય અને બાથરૂમ માટે સામાન્ય કેટેગરીનું ડ્રેનેજ જોડાણ અપાયેલું હતું. પરંતુ ઔદ્યોગિક એકમોએ તેનો ગેરફાયદો ઉઠાવીને તેમનું ઈન્ડસ્ટ્રીઝનું પ્રદુષિત પાણી તેમાં છોડવાનું શરૂ કરી દીધું હતું. આથી આવા શૌચાલય અને બાથરૂમ માટેના ડ્રેનેજ જોડાણ પણ કાપી નાખવાનો નિર્ણય લેવાયો છે.
જેના ભાગરૂપે શુક્રવાર સુધીમાં રપ જેટલી ઈન્ડસ્ટ્રીઝના ડ્રેનેજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. હજુ આગામી દિવસોમાં મોટા પાયે ઝુંબેશ ચલાવીને શહેરના તમામ ઔદ્યોગિક એકમોના ડ્રેનેજ જોડાણ કાપવામાં આવશે. આ માટે દરેક ઝોનના એડિશનલ સિટી ઈજનેરને જવાબદારી સોંપવામાં આવી છે. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ, દક્ષિણ, ઉત્તર ઝોનમાં ઔદ્યોગિક એકમોની સંખ્યા વિશેષ પ્રમાણમાં છે. આ ઉપરાંત પિૃમ, મધ્ય સહિતના ઝોનમાં ગણ્યાંગાંઠયાં ઔદ્યોગિક એકમો છે. આમ છતાં શહેરના તમામ ઔદ્યોગિક એકમોનો ડ્રેનેજ જોડાણ કાપવાના હોવાથી દરેક ઝોનમાં ટીમોની રચના કરવામાં આવી છે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ અને મ્યુનિ.ના આંતરિક સર્વે મુજબ શહેરમાં ચાલી રહેલા ઔદ્યોગિક એકમોમાં એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) છે જ નહીં. અને CETP ( કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) જ્યાં છે તે પુરતી ક્ષમતાથી ચાલતાં નથી. માટે આવા એકમો સામે કાર્યવાહી કરવામાં આવે અને તેની સામે પગલાં ભરવાનો નિર્ણય કરાયો છે.
સાબરમતીમાં ફેલાયેલા પ્રદુષણ મુદ્દે હાઈકોર્ટે નિયુક્ત કરેલી JTF (જોઈન્ટ ટાસ્ક ફોર્સ)એ તેમના ફિલ્ડ સર્વેનો હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જે વાંચીને હાઈકોર્ટ GPCB અને મ્યુનિ. પર ખફા થઈ હતી અને બન્નેને આડેહાથે લીધા હતા. જેટીએફે કરેલા સુચનો મુજબ પગલાં ભરવાનો આદેશ થતાં મ્યુનિ.એ તેનો અમલ કરવાનું શરૂ કર્યું છે.