વડોદરાની કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો લોકડાઉન ભંગની હજારો FIR રદ્દ થશે?

Views 56

વડોદરાની કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
લોકડાઉન ભંગની હજારો FIR રદ્દ થશે?
કોર્ટે કહ્યું, જયુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના નોંધાયેલી કલમ ૧૮૮ હેઠળની ફરિયાદો કાયદાકીય રીતે ટકવા પાત્ર નથી
લોકડાઉનના ભંગ બદલ કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલા ત્રણ કેસને કોર્ટે પહેલી જ સુનાવણીમાં ડિસમિસ કરી દીધા છે. કોર્ટે જણાવ્યું હતું કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના આ ગુનામાં FIR થઈ શકે નહીં. એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એનપી ઉનડકટે લોકડાઉન દરમિયાન બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા ત્રણ કેસને ડિસમિસ કરી દીધા હતા.પોલીસે લોકડાઉન દરમિયાન આજવા રોડ પર એક ફળ વિક્રેતા વિરુદ્ઘ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સિવાય વાઘોડિયા રોડ પર કોઈ કારણ વિના બહાર નીકળેલા બે લોકો સામે પણ પોલીસે FIRનોંધવામાં આવી હતી. જો કે કોર્ટે આ ત્રણેય કેસને પહેલી જ સુનાવણીમાં ડિસમિસ કરી દીધા છે.
CrPCની કલમ ૧૯૫ મુજબ કલમ ૧૭૨થી ૧૮૮ હેઠળ નોંધાયેલા કોઈપણ સજાપાત્ર ગુનાની કોર્ટ નોંધ ના લઈ શકે. આ મામલે કોર્ટે ગુજરાત, પટણા અને દિલ્હી હાઈકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ ટાંકયો હતો. કોર્ટનો આ ચુકાદો લોકડાઉન દરમિયાન રાજયના અલગ-અલગ ભાગોમાં નોંધાયેલી હજારો ફરિયાદો પર સવાલ ઉભો કર્યો છે. વકીલોનો પણ દાવો છે કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટની મંજૂરી વિના નોંધાયેલી આ ફરિયાદો ટકવા પાત્ર નથી. વડોદરામાં નોંધાયેલા આ ત્રણ કેસમાં પોલીસે FIR નોંધ્યા બાદ ત્રણેય આરોપીએ પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાના ભંગના ગુનામાં કલમ ૧૮૮ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.
ક્રિમિનલ લો ની પ્રેકિટસ કરતા વડોદરા સ્થિત વકીલ પ્રવીણ ઠક્કરના જણાવ્યા અનુસાર, ફરિયાદ અને FIRમાં ફરક છે. પોલીસ કલમ ૧૭૨થી ૧૮૮ હેઠળ સીધી ફરિયાદ નોંધી ના શકે. તેના બદલે પોલીસ યોગ્ય પગલાં લઈ મેજિસ્ટ્રેટને લેખિત ફરિયાદ આપવી પડે, અને ત્યારબાદ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે નક્કી કરવાનું રહે છે કે FIR થવી જોઈએ કે નહીં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ પ્રક્રિયા વિના નોંધાયેલી તમામ FIR આ જ પ્રકારે રદ્દ થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *