– દબાણોના લીધે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વકરી
– વેપારીઓ 31 ડિસેમ્બર સુધીમાં દબાણ નહીં હટાવે તો પાલિકા તેઓના ખર્ચે માપણી કરી દબાણ હટાવશે
વડાલી શહેરના મેઈન બજારમાં આવેલી સરકારી જમીનમાં દુકાનદારોએ પાકા દબાણ ખડકી દેતા રસ્તાઓ સાંકડા બની જતા લોકો અને વાહનચાલકોને અવર જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.જેથી નગરપાલિકાએ બજારના ૧૨૦ દબાણકારોને ૩૧ ડિસેમ્બર સુધીમાં દબાણ દુર કરવાની નોટીસ બુધવારે ફટકારતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વડાલી શહેરના મેઈન બજારમાં મોટી સંખ્યામાં ઘરવપરાશાની વિવિધ ચીજવસ્તુઓની મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે.જે દુકાનોમાં ખરીદી કરવા દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ તાલુકાના લોકો ચાલતા તેમજ વાહનો લઈ આવતા હોય છે.જે બજારમાં આવેલા વાણિજ્યક હેતુસરની મિલકત ધરાવતા કેટલાક દુકાનદારોએ છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર રસ્તાઓ તેમજ સરકારી જમીનમાં બીનઅધિકૃત રીતે પાકા દબાણો ખડકી દીધા છે.જેથી બજારનો માર્ગ ખુબજ સાંકડો થઈ જતા ગ્રાહકો તેમજ રાહદારીઓને પસાર થવામાં અડચણ રૂપ થઈ રહ્યુ છે.
જ્યારે દબાણને લઈ રસ્તો સોકડો થઈ જતા વાહનો સરળતાથી પસાર ન થઈ શકતા વારંવાર ટ્રાફીક સર્જાતા લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જેથી દબાણો દુર કરવા પાલિકામાં લેખિત એમજ મૌખિક રજુઆતો લોકો દ્વારા કરવામાં આવતા પાલિકા દ્વારા બજારના દબાણો દૂર ૩૦ ઓકટોબરના રોજ ઠરાવ કર્યો હતો.જે અંતર્ગત બુધવારે પાલિકાના દબાણ વિભાગ દ્વારા બજારના ૧૨૦ દબાણકારોને ૩૧ ડિસેમ્બર સુધીમાં દબાણ દૂર કરવા નોટીસ ફટકારવામાં આવી છે.
જે સમય દરમિયાન દબાણકારો દ્વારા દબાણ દુર કરવામાં નહી આવેતો પાલિકા તેમના ખર્ચે અને જોખમે માપણી કરાવી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરશે.જે કાર્યવાહી દરમિયાન માલસામાન અને મિલ્કતને નુકસાન થશેતો જવાબદારી દબાણકર્તાની રહેશે તેવું જણાવતા વેપારીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.