સ્યુસાઇડ નોટમાં લખ્યું : બનાસ બેંક ખિમાણા શાખાના મેનેજર મને હેરાન-પરેશાન કરતા હોવાથી હું આપઘાત કરૂં છું તો તેમને કડકમાં કડક સજા કરવા વિનંતી
બનાસ બેંકની ખિમાણા શાખાના મેનેજરના ત્રાસથી કેશિયરે પોતાના વતન રતનપુરા ગામે ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના પુત્રએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખિમાણામાં છેલ્લા એક વર્ષથી કેશિયર તરીકે ફરજ બજાવતાં
બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની કાંકરેજ તાલુકાના ખીમાણામાં શાખા કાર્યરત છે. જ્યાં છેલ્લા ત્રીસ વર્ષથી કાંકરેજ તાલુકાના રતનપુરાના નારણજી વાલાજી ઠાકોર (ઉ.વ.52) કેશિયર તરીકે ફરજ બજાવતાં હતા. જોકે, બેંકના મેનેજરના ત્રાસથી નારણજીએ ગુરૂવારે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતુ. આ અંગે મૃતકના પુત્ર સુરેશજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, તેમના પિતા મેટ્રીક પાસ હતા. છેલ્લા 35 વર્ષથી બનાસબેંકમાં ફરજ બજાવતાં હતા. ખિમાણામાં છેલ્લા એક વર્ષથી કેશિયર તરીકે ફરજ બજાવતાં હતા.
કમ્પ્યુટરનું જ્ઞાન નથી તેમ કહી અવાર- નવાર નોકરી બાબતે હેરાન કરતા
જોકે, બેંકનો મેનેજર સુધીરભાઇ ઠક્કર તેમને કમ્પ્યુટરનું જ્ઞાન નથી તેમ કહી અવાર- નવાર નોકરી બાબતે હેરાન કરતા હતા. આથી શુક્રવારે સાંજે રતનપુરા ગામે મકાનના રૂમમાં પંખે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેમની અંતિમ ક્રિયા વખતે કપડા બદલતી વખતે ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી. આ અંગે મારા પિતાને મરવા માટે મજબૂર કરનાર ખિમાણા બેંકના મેનેજર સુધીર ઠક્કર સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અંતિમ ક્રિયા વખતે કપડાં બદલતાં સ્યુસાઇડ નોટ મળી
નારણજી ઠાકોરની અંતિમ ક્રિયા વખતે કપડા બદલતા ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. એમાં તેમણે લખ્યું હતું કે, હું બનાસ બેંક ખીમાણા શાખામાં નોકરી કરું છું. બનાસ બેંક ખીમાણા શાખાના મેનેજર મને હેરાન પરેશાન કરતા હોવાથી હું આપઘાત કરું છું. તો મેનેજરને કડકમાં કડક સજા કરવા વિનંતી. મેનેજરનું નામ સુધીર ઠક્કર છે.
મેનેજરના ત્રાસથી છેલ્લા દોઢ માસથી નોકરીએ જતા ન હતા
બેંક મેનેજર સુધીર ઠક્કરની હેરાનગતિથી નારાણજી ઠાકોર છેલ્લા દોઢ માસથી નોકરીએ જતા ન હતા. આથી બે દિવસ અગાઉ તેમના સાળા દિલીપજી જવાનજી ઠાકોર તેમને નોકરી પર મૂકવા ગયા હતા. અને મેનેજરને રૂબરૂમાં મળી હેરાન નહીં કરવા માટે સમજાવ્યા હતા. નારણજી તે દિવસે નોકરીથી પરત આવ્યા પછી બીજા દિવસે નોકરી પર ગયા ન હતા. આથી પરિવારજનોએ પૂછતાં તેમણે કહ્યું હતું કે, ફરીથી મેનેજર હેરાન કરે છે. અને એ જ સાંજે નારણજીએ ઘરે આપઘાત કરી લીધો હતો.
બેંકના મેનેજર સામે ગુનો નોંધ્યો છે, તે હાલ ફરાર છે
કાંકરેજની ખિમાણા બનાસ બેંકની શાખાના મેનેજર સામે શિહોરી પોલીસ મથકે દુષપ્રેરણનો ગુનો નોંધાયો છે. એ હાલ ફરાર હોઇ શોધવા માટે તપાસ હાથ ધરી છે.
ઘરે કોઈ ન હતું ત્યારે અંતિમ પગલું ભર્યું
નારણજી ઠાકોરના પરિવારમાં તેમની પત્ની, બે દિકરા સુરેશજી અને ભરતજી છે. એક દીકરી દક્ષાબેનના લગ્ન થઈ ગયા છે. ગુરુવારે સુરેશજી તેમની સાસરીમાં ગયા હતા. ભરતજી રીક્ષા લઇ ધંધાર્થે ગયા હતા. તેમની માતા સદાસણ ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે નારણજી ઠાકોરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.