મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આશ્ચર્યજનકરીતે મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓના વિભાગની કામગીરી બાબતે પ્રશ્નો કર્યા હતા. તેમણે દરેક મંત્રીને પોતાના વિભાગમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન તેમની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન દરેક મંત્રીઓએ પોપટની જેમ તેમની કામગીરીઓનો ચિતાર મુખ્યમંત્રી સમક્ષ મુકવા માંડ્યો હતો. જો કે, કેટલાક મંત્રીઓની ઢીલી કામગીરીને મુખ્યમંત્રીએ પકડી પાડી હતી. તેમણે આવી કચાશવાળી કામગીરી બદલ મંત્રીઓનો ક્લાસ લઈ લીધો હતો.
આ સિવાય મુખ્યમંત્રીએ દરેક મંત્રીને તેમના વિભાગના 100 દિવસના એજન્ડા અંતર્ગત થયેલી કામગીરીની પ્રગતિનો અહેવાલ પણ માગ્યો હતો. તેમણે મંત્રીઓને પૂછી લીધું હતું કે, આગામી ત્રણ મહિનાના સમયમાં તેઓ અને તેમનો વિભાગ કઈ કામગીરી કરવાનો છે તેનું એક દસ્તાવેજીકરણ પણ રજૂ કરવામાં આવે. આ કામગીરીના લક્ષ્યાંકો પણ રજૂ કરવામાં આવે જેથી સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે તેનો ખ્યાલ આવે.
મુખ્યમંત્રીએ સાથોસાથ મંત્રીઓને તેમની કામગીરીમાં કોઈ સમસ્યા હોય કે મૂંઝવણ સતાવતી હોય તો પણ ખૂલ્લા દિલે તે વ્યક્ત કરવાની સલાહ પણ આપી હતી. આગામી સમયમાં વિધાનસભા ગૃહનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે તેમાં બજેટની માગણીઓ, પ્રશ્નોત્તરી, વિધેયકો તેમજ અન્ય કાર્યવાહી અંગે પૂરતી તૈયારી કરવાની તાકિદ પણ કરાઈ હતી.