જિલ્લાની વેટનરી ડોક્ટરોની ટીમોએ
ચાર કલાકની ભારે જહેમત કરી ભેંસોનું સલામત ઓપરેશન કર્યું
આણંદ–ગુરૂવાર:: અબોલ પશુઓ ભલે બોલી શકતા નથી પરંતુ તેઓમાં પણ જીવ હોય છે. આવા અબોલ પશુઓની મહામૂલી જિંદગી જેટલી માનવજીવનની છે તેટલી જ પશુઓની છે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અબોલ પશુધનને બચાવવાના અર્થે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે. તેટલું જ નહીં પણ અબોલ પશુઓના પેટમાં પ્લાસ્ટીક જેવી અન્ય ચીજવસ્તુઓ ન જાય તે માટે પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આજ રીતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અબોલ પશુ-પક્ષીઓની સુરક્ષા કાજે કરૂણા અભિયાન શરૂ કરવાની સાથે કરૂણા એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
આવા અબોલ પશુધનને બચાવવા અર્થે તેમજ પશુઓમાં જોવા મળતા કોઈપણ રોગચાળા કે ઓપરેશન કરવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના પ્રેરક નેતૃત્વ હેઠળ અને જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ડૉ. સ્નેહલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પશુપાલન ટીમના તબીબો હર હંમેશ સતત ખડે પગે કાર્યરત રહે છે.
આવી જ કંઈક વાત છે આણંદ જિલ્લાના બોરસદની
જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. સ્નેહલ પટેલે બોરસદના આજીદખાન ઈનાયતખાન પઠાણ અને પામોલના ગોરધનભાઈ ઠાકોરની ભેંસોને કોઈક રોગ થયેલ હોવાની જાણકારી મળતા વેટરનરી તબીબોને આ અંગેની માહિતી આપી સ્થળ ઉપર જઈ તપાસ કરી જરૂરી પગલાં ભરવા જણાવતા વેટરનરી તબીબો સર્વ શ્રી ડૉ.હિતેશ મકવાણા, ડૉ.ડી.જી.પટેલ, ડૉ નિકિતા પટેલ, ડૉ.પ્રહલાદ સોલંકી અને ડૉ. બંસરી સહિતની ટીમ બોરસદ પહોંચી ગઈ.
વેટરનરી તબીબોની આ ટીમે બોરસદ પહોંચી જઈને આ બંન્ને ભેંસોની ચકાસણી કરતાં રૂમેનોટોમી હોવાનું જણાઈ આવતા તબીબોની ટીમે ખુલ્લામાં ભરબપોરે ઓપરેશન આ તબીબોની ટીમે સતત ચાર કલાક સુધી હાથ ધરીને ભેંસોને રૂમેનોટોમીમાંથી મુક્ત કરી નવજીવન બક્ષવાની સાથે તંદુરસ્ત બનાવી.
આ બંન્ને ભેંસોના ઓપરેશન દરમિયાન તેમના પેટમાંથી બે રૂપિયાનો એક સિક્કો અને એક રૂપિયાના સીક્કો બે સીક્કા સહિત લોખંડની પીનો, લોખંડનો ભૂકો, ચરવા દરમિયાન પેટમાં ગયેલ પ્લાસ્ટીકનો એકત્ર થયેલ કચરાનો બનેલ બોલ, દોરડીઓ બહાર કાઢવામાં આવી હતી.
આ વાત પરથી આપણે સૌએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે, પ્લાસ્ટીક કે અન્ય કચરો ગમે તે જગ્યાએ ન નાખતા તેને ઘરમાં કે કચરા પેટીમાં નાંખીએ કે જેથી આવા અબોલ પશુઓ ચરવા દરમિયાન આવી વસ્તુઓ આરોગે નહીં અને આમ કરી આપણે અબોલ પશુઓની મહામૂલી જિંદગી બચાવવામાં આપણું યોગદાન આપીએ.
બોરસદ ખાતે બે ભેંસોમાંથી સિક્કા-લોખંડની પીનો અને પ્લાસ્ટીક કાઢી ભેંસોને નવજીવન બક્ષ્યું
Views 56