ગાંધીનગરનાં ધોળાકુવા ગામના લિસ્ટેડ બુટલેગરે નજીવી બાબતે ગઈકાલે મોડી સાંજે અત્રેની સરકારી પ્રાથમિક શાળાની બિલ્ડિંગનાં કામ અર્થે આવેલા મજૂરોની ઈકો ગાડીને બાનમાં લઈ મળતિયાઓ સાથે ફિલ્મી ઢબે આતંક મચાવી દીધો હતો. પોલીસની ઢીલાશથી પ્રોહીબીશનનાં ગુનામાં વોન્ટેડ રીઢા બુટલેગરે ઈકો ગાડીના તમામ કાચ તોડીને મજૂરોને માર મારવામાં આવતાં ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરનાં ધોળાકુવા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું કામ અર્થે સંતરામપુરનાં મજૂરો કામ રહી રહ્યાં છે. ગઈકાલે રાબેતા મુજબ સાંજના સમયે મજુરોને ઈકો ગાડીમાં લઈને મૂકવા માટે શૈલેષભાઈ રાવળ જઈ રહ્યા હતા. ત્યારે ગાડી ધોળાકુવા ગામમાં નવીન બનતી મેટ્રોના મુખ્ય ગેટની સામે ઉભી રાખી હતા.
આ દરમ્યાન એક કાળા કલરની વર્ના ગાડી (નંબર GJ-05-CJ-0911) ના ચાલકે ઈકો ગાડીની પાછળથી આવીને શૈલેષને મારી ગાડીનો ઓવરટેક કેમ કર્યો કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. આથી શૈલેષએ ગાળો બોલવાની ના પાડતાં ગાડીનો ચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને તેના આઠેક મળતિયાઓને બોલાવીને ધોકા લઈને ઈકો ગાડીના ચારે બાજુના કાચ તોડી નાખ્યા હતા. તેમ છતાં આટલેથી સંતોષ નહીં થતાં બેફામ બનેલા હુમલાખોરોએ મજૂરોને પણ ધોકા વાળી કરતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. જેનાં કારણે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, હુમલો કરનાર ગામનો જ રીઢો લિસ્ટેડ બુટલેગર હતો. જેણે મળતિયાઓ સાથે મળીને મજૂરોને બાનમાં લઈને ધોકા વડે ગાડીમાં તોડફોડ કરીને આતંક મચાવી દીધો હતો.
બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પરંતુ ત્યાં સુધીમાં બુટલેગર સહિતના મળતિયા ફરાર થઈ ગયા હતા. જ્યારે આ મામલાની જાણ થતાં ખુદ મેયર હિતેશ મકવાણાએ જિલ્લા પોલીસ વડાને ઘટનાની જાણ કરી હતી. ત્યારે પોલીસે શૈલેષ રાવળએ આપેલ ગાડીના નંબરના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પીઆઈ વી ડી વાળાએ જણાવ્યું હતું કે, બુટલેગર મૂકેશ ઠાકોર કે ગમે તે હશે એની સામે કડક પગલાં ભરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં લોકલ ક્રાઇમ બ્રાંચે રીઢા લિસ્ટેડ બુટલેગર મૂકેશ ઠાકોરના ધોળાકુવાનાં ઘરે રેડ કરીને દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારથી ઉક્ત ગુનામાં મૂકેશ પોલીસ ચોપડે વોન્ટેડ છે. અને પોલીસની ઢીલાશનાં કારણે બેફામ બની એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યો છે.