પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના તત્કાલીન આચાર્યે નિવૃત પછી પણ માત્ર દોઢ વર્ષના ગાળામાં બે બે વખત રજા રોકડ રૂપાંતરનાં બીલો મૂકીને આર્થિક લાભ મેળવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું ધ્યાને આવતાં ગાંધીનગરની ઉચ્ચ શિક્ષણ નિયામક કચેરીના નાયબ નિયામકે તત્કાલીન આચાર્ય અને ઈન્ચાર્જ આચાર્ય વિરુદ્ધ સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
ગાંધીનગરના જુના સચિવાલય ખાતે આવેલી ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીનાં નાયબ નિયામક હેમંતકુમાર કનૈયાલાલ ઉપાધ્યાયે નોંધાવેલી ફરિયાદ મુજબ, અત્રેની કચેરી દ્વારા ગ્રાન્ટેડ કોલેજોના પગાર ભથ્થા અંગેના બિલોના ચુકવણા કરવાની કામગીરી કરવામાં આવે છે. પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ દેવેન્દ્રકુમાર મુકુંદરાય આચાર્ય (રહે, રો – હાઉસ નં.-3, સન સ્પોટ, ગોવિંદ ધામની પાછળ, બોડકદેવ,અમદાવાદ) તા. 14/06/2011ના રોજ નિવૃત થયાં હતાં. જે અન્વયે કોલેજ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપાલ દેવેન્દ્રકુમારનાં રજા રોકડ રૂપાંતરનાં બીલો તા. 16/6/2011 નાં રોજ ઉક્ત કચેરીએ મોકલી આપવામાં આવ્યા હતા.
આ બીલની ચકાસણી કરી કચેરી દ્વારા તા.5/3/2011ના રોજ બિલની પૂર્તતા માટે કોલેજને પરત મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. જે.એ.ભટ્ટે બીલની વાંધા પુર્તતા કરી પાછા મોકલી આપતાં જરૂરી ચકાસણી કરીને બિલ મંજૂર કરી દેવાયું હતું. તેમ છતાં ફરીથી કોલેજ દ્વારા દેવેન્દ્રકુમાર મુકુંદરાય આચાર્યના નામનું ૨જા રોકડ રૂપાંતરનું બીલ વર્ષ – 2013 માં કચેરીને મોકલી આપવામાં આવ્યું હતું. જેને પણ મંજુર કરીને રૂ. 8 લાખ 24 હજાર 704 નો ચેક દેવેન્દ્રકુમાર નાં ખાતામાં જમા કરવામાં આવ્યો હતો.
બાદમાં ઉક્ત બિલની રકમ વિલંબથી ચૂકવવા બાબતે વાંધો ઉઠાવી વ્યાજ લેવા તથા પી.એફ ઉપર પણ વ્યાજ મેળવવા માટે દેવેન્દ્રકુમારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અન્વયે હાઈકોર્ટે વર્ષ – 2018 માં રજા રોકડ રૂપાંતર બિલ પેટે છ ટકા વ્યાજ ચુકવવા તથા જી.પી.એફ. ચુકવ્યા તારીખ સુધીનું વિલંબીત વ્યાજ ચૂકવવા હુકમ કર્યો હતો. ત્યારે કેસની સુનવણી દરમ્યાન અત્રેની કચેરીના ધ્યાને આવેલ કે કોલેજ દ્વારા દેવેન્દ્રકુમાર મુકુંદરાય આચાર્યનુ બે વાર બીલ રજુ થયેલ છે. આમ આર્થિક લાભ મેળવવા માટે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા આખરે તાત્કાલિક પ્રિન્સિપાલ દેવેન્દ્રકુમાર અને ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. જે. એ. ભટ્ટ વિરુદ્ધ સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.