પાટણ શહેરની એક પરિણીતાને તેનાં પતિ અને સાસુએ કથિત રીતે મારઝુડ કરી બોલાચાલી કરી ત્રાસ આપતાં હોવાથી આ મહિલાએ કંટાળીને ફિનાઇલ પી જતાં તેને ઉલટીઓ થતાં ને રડતી હોવાથી તેમનાં પડોશીએ તેને સારવાર માટે પાટણની હોસ્પિટલમાં ખસેડી હતી.
પાટણ તાલુકાનાં કુણઘેર ગામે પિયર ધરાવતા અને પાટણમાં રહેતી 32 વર્ષિય યુવતીના લગ્ન 10 વર્ષ પૂર્વે થયા હતા. લગ્ન જીવન દરમિયાન પતિ પત્નીને તકરાર થતાં તેઓએ છુટાછેડા લીધા હતા ને બે વર્ષ સુધી છુટાછેડા રાખ્યા હતા. બાદમાં બંને વચ્ચે સમાધાન થતાં બંને પતિ-પત્ની તરીકે છેલ્લા પાંચ વર્ષથી સાથે રહે છે. પરિણીતાનાનાં આક્ષેપ મુજબ તેમનાં પતિએ દેવું કરેલું હોવાથી તે તેમને જેમ તેમ બોલતા ને મારતા હતા. ગઇકાલે તેમનાં સાસુનાં ઘરે ગયેલા ત્યારે તેમની સાસુએ જેમ તેમ બોલીને કહેલ કે, ‘તું દેવું ભરી દે નહિં તો તને જેલમાં પુરાવી દઇશ.’ તેવી ધમકી આપતાં તે તેમનાં ઘરે આવ્યા હતા ને તેમણે ફિનાઇલ પી લેતાં તેમને ઉલટીઓ થતાં સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે તેમણે બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. 498(ક), 323 મુજબ ગુનો નોંધ્યો હતો.