નિવૃત એડીશ્નલ ડીજીપીનાં પુત્રની કંપનીમાં થયેલી ચોરી મામલે બે તસ્કરો મુદ્દામાલ સાથે ઝડપાયા, એકની શોધખોળ

Views 62

દહેગામના ઈસનપુર ડોડીયા ગામે નિવૃત એડીશ્નલ ડીજીપીનાં પુત્રની સ્ટુનિકા પ્લાયવુડ કંપનીમાં ત્રાટકી હાઈડ્રોલિક લારી, સાત મોટરો સહિત 88 હજાર 500 ના મુદ્દામાલની ચોરીના ગુનાને અંજામ આપનાર ગામના ત્રણ પૈકી બે તસ્કરોને દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

દહેગામના ઈસનપુર ડોડીયા ગામમાં આવેલ સ્ટુનિકા પ્લાયવુડ કંપનીમાં દિવાળી અગાઉથી બંધ છે. આ કંપનીમાં કોઇ સિક્યુરીટી રાખેલ નહીં હોવાથી રાત્રીના સમયે કોઈ હાજર રહેતુ નથી. ગત શુક્રવાર સવારના પોણા આઠ વાગે કંપનીમાં ઇલેક્ટ્રીકલ મેઈન્ટેનન્સ તરીકે નોકરી કરતો મનોજ ચૌહાણ હાજર હતો. તે વખતે ઉક્ત કંપની ભાડે રાખનાર બકુલભાઈ તથા તેમની સાથેના માણસો આવ્યા હતા. ત્યારે કંપનીમાં સાફ-સફાઈ પૂર્ણ થઈ જતાં સાંજના સાત વાગે મનોજે ગેટને તાળું માર્યું હતું.

બીજા દિવસે માલુમ પડયું હતું કે, કેન્ટીનનું તાળું તૂટેલું હતું. જેમાં રાખેલ ચેમ્બરની મોટર (લીલા લાકડા સુકવવાનુ મશીનની મોટર) નંગ-7, એલ.ઈ.ડી ટીવી, હાઈડ્રોલીક લારી, 150 મીટર કેબલ વાયર ચોરાઈ ગયો હતો. આથી વધુ તપાસ કરતા ઓફિસનાં દરવાજાનું તાળુ તોડી અજાણ્યા ઈસમો ત્રણ હજારની કિંમતની પેપર ડિસો પણ ચોરી ગયા હોવાનું વધુમાં બહાર આવ્યું હતું.

આ મામલે મનોજે તેના શેઠ પ્રતીકભાઈની સૂચના મુજબ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેનાં પગલે પોલીસે વધુ તપાસનો દોર શરૂ કરતાં ઉક્ત કંપની નિવૃત એડીશ્નલ ડીજીપી કે.કે. ઓઝાનાં પુત્રની હોવાનું ખુલ્યું હતું. આ ચોરીના પગલે પીઆઈ બી.બી.ગોયલે બાતમીદારોને સક્રિય કરી અત્રેના વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું.

જે અન્વયે મળેલી પૂર્વ બાતમીનાં આધારે બહીયલ કેનાલ વિસ્તારમાં ચોરીનો માલ વેચવા ફરતાં ગામના બે સગા ભાઈઓ અલ્પેશ ભુલાજી ઠાકોર અને વિક્રમને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી લોખંડની જાળીઓ અને રીંગો જપ્ત કરી વધુ પૂછતાંછ કરતાં ચોરીનો વધુ મુદ્દામાલ ઈસનપુર ડોડીયા ગામમાં રહેતાં કિરણ ચંદુભાઈ ચૌહાણ પાસે હોવાની કબૂલાત કરી હતી. આમ પોલીસે બંનેની ધરપકડ કરી વોન્ટેડ કિરણને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *