ગિફ્ટસિટી પાસે પીડીપીયુથી શાહપુર વચ્ચે રિવરફ્રન્ટ માટે સરકારે રૂ. 150 કરોડ ફાળવ્યા

Views 119

છેલ્લા 10 કરતાં વધુ વર્ષથી જેની માત્ર જાહેરાતો જ થાય છે તેવા ગાંધીનગર ખાતે રિવરફ્રન્ટની કામગીરી હવે આગળ વધે તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે બજેટમાં જ ગિફ્ટસિટી નજીક રિવરફ્રન્ટ બાંધવા માટે 150 કરોડની જોગવાઈ કરી છે.

રાજ્ય સરકારના જળસંપતિ વિભાગ માટે કરાયેલી જાહેરાતમાં સરકારે ગાંધીનગર રિવરફ્રન્ટની જાહેરાત કરી હતી. એટલે કે જો બધુ બરાબર રહ્યું તો હવે ગાંધીનગરના નાગરિકોને રિવરફ્રન્ટનો આનંદ માણવા માટે અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે. ગાંધીનગરમાં પીડીપીયુ કેબલબ્રીજથી અને શાહપુર બ્રીજ સુધી રિવરફ્રન્ટ બને તેમ છે.

જેમાં રાયસણ, રાંદેસણ, ધોળેશ્વર મહાદેવ મંદિર સહિતનો વિસ્તાર આવી જશે. રિવરફ્રન્ટમાં ઉંચી દિવાલો, નદીની બંને બાજુ ચાર ઘાટ તથા ગિફ્ટ સિટી જવા માટે પાંચ જેટલા પોઇન્ટ ઉભા કરાય તેમ છે. જેમાં પ્રથમ તબક્કા માટે 350 કરોડ જેટલા ખર્ચનો અંદાજ લગાવાયો છે.

અમદાવાદ રિવરફ્રન્ટ ફેઝ-2 માટે ગાંધીનગરને અડીને છેક ઈન્દિરા બ્રીજ સુધી કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે આગામી સમયે ગિફ્ટ સિટી પાસે રિવરફ્રન્ટની બનતા ગાંધીનગરના નાગરિકોને નવી સુવિધા મળશે. ગિફ્ટસિટી પાસે રિવરફ્રન્ટની જાહેરાત સાથે હાલ મેટ્રોની પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેને પગલે અહીં સમગ્ર વિસ્તારમાં આગામી સમયે ગિફ્ટસિટી, રિવરફ્રન્ટ અને મેટ્રોનો ત્રિવેણી સંગમ થશે તે નક્કી છે. જેથી નાગરિકોની સુવિધામાં વધારો થશે.

ગાંધીનગરમાં કેવડિયા જેવો યુનિટી મોલ બનશે
ગાંધીનગરમાં પણ કેવડિયા જેવો યુનિટી મોલ બનાવવામાં આવશે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના હેઠળ દરેક જિલ્લાની ખાસ ઉત્પાદિક વસ્તુઓને આંતરાષ્ટ્રીય ઓળખ ઉભી કરવા વડાપ્રધાને આહવાન કરેલું છે. પાટણના પટોળા, જામનગરની બાંધણી, કચ્છના ભરતકામને જી. આઈ. ટેગ મળેલું છે. કેવડિયા ખાતે દેશની વિવિધ રાજ્યોના ઉત્પાદનો અને હસ્તકલા ઉત્પાદનોના પ્રમોશન તથા વેચાણ માટે યુનિટીમોલ સ્થાપવામાં આવેલ છે. આજ પેટર્ન પર ગાંધીનગર ખાતે પણ યુનિટી મોલ બનાવાની જાહેરાત સરકારે બજેટમાં કરી છે.

કોર્પોરેશન વિસ્તાર માટેની અન્ય જાહેરાતો
સરકારે બજેટમાં રાજ્યના 8 સ્થળોએ રિજીયોનલ સાયન્સ સેન્ટર અને બાકીના જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપવાની જાહેરાત કરી છે. એટલે ગાંધીનગરને એક સાયન્સ સેન્ટર મળશે. આ ઉપરાંત મહાનગરપાલિકાઓમાં આઈકોનિક બ્રીજ બનાવવા માટે 400 કરોડના આયોજન સામે બજેટમાં 100 કરોડની જોગવાઈ કરાઈ છે. મહાનગરપાલિકાઓમાં નેચરપાર્કના આયોજન માટે 80 કરોડની જોગવાઈ કરાઈ છે, એટલે તેનો લાભ ગાંધીનગરને થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *