ગાંધીનગરમાં પેથાપુરનાં વ્યાજખોરે 20 હજારની સામે 2. 27 લાખ પડાવ્યાં, છતાં વ્યાજ સહિત 2.80 લાખની બાકી ઉઘરાણી માટે વૃદ્ધને ધમકીઓ આપતો

Views 52

ગાંધીનગરના સેક્ટર- 24ના વૃદ્ધને 20 હજાર હાથ ઉછીના આપીને પેથાપુરનાં વ્યાજખોરે 20 ટકા વ્યાજ વસૂલી અત્યારસુધીમાં રૂ. 2.27 લાખ પડાવી લીધા હતા. તેમ છતાં રૂ. 2.80 લાખની બાકી ઉઘરાણી કાઢીને લુખ્ખા તત્વોને હવાલો આપીને વૃદ્ધને અસહ્ય ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જેથી આખરે સેક્ટર – 21 પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ગાંધીનગરના સેક્ટર – 24 સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા વય નિવૃત 64 વર્ષીય ભરતભાઈ નાનજીભાઇ મકવાણાને એપ્રિલ 2017 માં સામાજીક કાર્ય માટે પૈસાની જરૂર હોવાથી મિત્ર વર્તુળમાં હાથ ઉછીના પૈસા લાવી આપવાની વાત કરી હતી. તે દરમ્યાન તેમના કૌટુંબીક ભાઇ મનુભાઇ ઘનજીભાઇ મકવાણા (રહે- લાડોલ) દ્વારા તેમના સાળા અરવિંદ ગોવિદભાઇ પરમાર (રહે- ત્રિકમ બાપાની વાડી, મુળચંદપાર્ક સામે પેથાપુર) સાથે પરિચય થયો હતો.
20 ટકા વ્યાજ વસુલવાની શરૂઆત કરી
જેનાં પગલે બે મહિના માટે અરવિંદ પાસેથી સામાજિક કામ અર્થે રૂ. 20 હજાર હાથ ઉછીના લીધા હતા. જેની અવેજીમાં અરવિંદે સિક્યુરિટી પેટે એક કોરો ચેક તેમજ કોરા સ્ટેમ્પ ઉપર સહીઓ કરાવી હતી. જેનાં એકાદ માસ પછી અરવિંદે ઉક્ત રકમનું 20 ટકા વ્યાજ વસુલવાની શરૂઆત કરી દીધી હતી.
6 લાખની રકમ ચેકમાં ભરીને બેંક ખાતામાં ભરવાની ધમકીઓ આપી
​​​​​​​ભરતભાઈએ હાથ ઉછીના પૈસા લીધાનું કહી વ્યાજ આપવાની ના પાડતાં અરવિંદ કોરા ચેકમાં મોટી રકમ ભરીને બેંકમાં જમા કરાવવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. એટલે ભરતભાઈ પાસે દર મહિને 4 હજાર વ્યાજ ચૂકવવા સિવાય કોઈ આરો બચ્યો ન હતો અને દર મહિને વ્યાજ ચૂકવી ન શકતા અરવિંદ રૂબરૂમાં જઈને રૂ. 6 લાખની રકમ ચેકમાં ભરીને બેંક ખાતામાં ભરવાની ધમકીઓ આપી બળજબરીથી વ્યાજની વસુલાત કરવા લાગ્યો હતો. આમ અત્યાર સુધીમાં મૂડી અને વ્યાજ સાથે વર્ષ – 2020 સુધીમાં રૂ. 2.27 લાખ તેણે પડાવી લીધા હતા. બાદ પૈસાની તંગી થતા ભરતભાઈ વ્યાજ ચુકવી શક્યાં ન હતાં. આથી વ્યાજખોર અરવિંદે હજી પણ 20 હજારની સામે રૂ. 2.80 લાખ વ્યાજ સાથે બાકી ઉઘરાણી કાઢી હતી. જે પૈસા પણ ટુકડે ટુકડે આપી દેવાની ભરતભાઈએ વિનંતી કરી હતી.
અરવિંદ બધા પૈસા એકસાથે ભરપાઈ ના થાય ત્યાં સુધી વ્યાજ માંગતો હતો અને લુખ્ખા તત્વોને હવાલો આપી મરાવી દેવાની ધાકધમકીઓ પણ આપવા લાગ્યો હતો. આજ રીતે ભરતભાઈનાં મિત્રો સુરેશભાઇ પરમાર, કનુભાઇ પરમાર અને શેલેષભાઇ પરમારને પણ વ્યાજે રૂપિયા આપી ત્રાસ આપવામાં આવતો હોવાથી આખરે તેમણે સેકટર – 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *