વેલેન્ટાઈન ડેના દિવસે જ એક પ્રેમીયુગલે ગાંધીનગરની જમિયતપુર કેનાલ પાસે સજોડે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બન્યો છે. પોલીસે બંનેની લાશોને બહાર કાઢી ઓળખ મેળવી લીધી છે. યુવક અમદાવાદનો અને યુવતી કચ્છના મુંદ્રાની હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરની જમિયતપુરા નર્મદા કેનાલમાં એકબીજાના હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં યુગલની લાશ તરતી હોવાની જાણ થતાં અડાલજ પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર નિલેશભાઈ સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ફાયર બ્રિગેડની મદદથી યુગલ ની લાશ બહાર કાઢવામાં આવી હતી. શરૂઆતના તબક્કે બિન વારસી હાલતમાં મળી આવેલી પ્રેમી પંખીડાની ઓળખવિધિ કરવા માટે પોલીસે સોશિયલ મીડિયાની મદદ લેવામાં આવી હતી. જેનાં થકી જાણવા મળ્યું હતું કે, યુગલ પૈકી યુવક ગુમ થયાની જાણવા જોગ ગુમ થયાની ફરિયાદ નવા વાડજ પોલીસ મથકમાં નોંધવામાં આવેલી છે.
આ અંગે એ.એસ.આઈ નિલેશભાઈએ જણાવ્યું હતું કે, જમિયતપુરા કેનાલમાંથી મળેલી યુગલ પૈકી યુવકનું નામ દર્શીલ વિક્રમભાઈ શાહ(ઉં. 21,ઉત્સવ એપાર્ટમેન્ટ, નવા વાડજ અમદાવાદ) છે. જ્યારે યુવતીનું નામ સાક્ષી વિજયભાઈ ચૌબે (રહે. મુંદ્રા, કચ્છ) હોવાનું જાણવા મળ્યું છે. બંને પાટણની એન્જિનિયરીંગ કોલેજમાં ઇન્ટર્નશીપ દરમિયાન મળ્યા હતા અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
બાદમાં દર્શીલ તેમજ સાક્ષી ઘરેથી નીકળી ગયા હતા. ગઈકાલે વેલેન્ટાઈન ડેના દિવસે ભેગા થયા હતા. અને એકબીજાના હાથે દુપટ્ટો બાંધીને કેનાલમાં પડીને આપઘાત કરી લીધો હતો. હાલમાં દર્શીલના પરિવારજનો કેનાલ ઉપર આવી ગયા છે. જ્યારે સાક્ષીના પરિવારજનો પણ ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે. આ બંને પરિવારના સભ્યોની પૂછતાંછ પછી જ પ્રેમીયુગલે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાશે. હાલમાં બન્નેના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.