રાજપીપલા, શુક્રવાર :- કેન્દ્રીય નિતી આયોગ દ્રારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા માટે નિમાયેલા પ્રભારી અધિકારીશ્રી અને કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગના સંયુકત સચિવ શ્રીમતી ડી.થારાએ નર્મદા જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોના કુપોષિત અને અતિ કુપોષિત ભૂલકાંઓના પરિવારોને શિક્ષણ, આરોગ્ય, પોષણ, આવાસ, સ્વરોજગારી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સરકારશ્રી દ્રારા અમલી વિવિધ યોજનાઓ હેઠળ અપાયેલા લાભોનું ખાસ સર્વેક્ષણ હાથ ધરીને તેના મૂળ સુધી પહોંચીને તેના નિષ્કર્ષરૂપે યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કટિબધ્ધ થવા “ટીમ નર્મદા”ને આહવાન કર્યુ હતું.
જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમ, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રી જેનુ દેવન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડીંડોર, જિલ્લા આયોજન અધિકારીશ્રી મકવાણા સહિત જિલ્લા પ્રસાશનના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ગઇકાલે કેવડીયા કોલોનીના સરકીટ હાઉસ ખાતે શ્રીમતી થારાના અધ્યક્ષપદે યોજાયેલી એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત કેન્દ્રીય નિતી આયોગના પેરામીટર્સ મુજબ જિલ્લામાં આ દિશામાં થયેલી કામગીરી-પ્રગતિની યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા કેન્દ્રીય સંયુકત સચિવ શ્રીમતી થારાએ જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન અન્ય પ્રવાસન પ્રોજેકટસમાં જિલ્લાના સ્થાનિક લોકોને રોજગારીની તકો વધુ ઉપલબ્ધ બને તે હેતુથી જિલ્લાની નોડલ આઇ.ટી.આઇ. ને અહીંની સ્થાનિક જરૂરીયાત મુજબની રોજગારી માટે પ્રવાસન નિગમના પરામર્શમાં રહીને કૌશલ્યવર્ધનના જરૂરી તાલીમ વર્ગો યોજીને લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે જોવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય સંયુકત સચિવ શ્રીમતી ડી.થારાએ ઉકત બેઠકમાં જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ-સિંચાઇ, પશુપાલન, ફાઇનાન્સીયલ ઇન્કલુઝન, કૌશલ્યવર્ધન અને માળખાગત સુવિધાઓ વગેરે જેવા ક્ષેત્રોમાં આજપર્યત થયેલી કામગીરી-પ્રગતિની સમીક્ષા કરી હતી અને જે તે ક્ષેત્રમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક સિધ્ધિની નજીક પહોંચેલા નર્મદા જિલ્લામાં કામગીરી ઝડપથી આગળ ધપાવીને બાકી લક્ષ્યાંક પૂર્તિ થકી નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં અગ્રેસર રહે તે માટે તેમણે રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ પ્રારંભમાં કેન્દ્રીય સંયુકત સચિવ શ્રીમતી ડી.થારાનું “ટીમ નર્મદા” વતી સ્વાગત કરી તેમને આવકાર્યા હતા અને બેઠકમાં શ્રીમતી થારા તરફથી કરાયેલા રચનાત્મક સૂચનોના સુચારૂં અમલ થકી નર્મદા જિલ્લો ઉકત કામગીરીમાં અગ્રેસર બની રહેશે તેવી “ટીમ નર્મદા” ની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.
કેવડીયા કોલોની ખાતે બેઠક યોજીને શ્રીમતી થારાએ જિલ્લાની કામગીરી-પ્રગતિની કરેલી સમીક્ષા
Views 65