ગાંધીનગરના ભાટ ટોલ ટેક્ષ નજીકથી પસાર થઈ રહેલી કરણી સેનાની રેલીના બે અજાણ્યા ઈસમોએ નજીવી બાબતે ગાંધીનગરના ડોક્ટર તેમજ તેમની પત્નીને સાથે પણ જેમતેમ ભાષામાં વાત કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી જવાનાં મામલે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 23 તેજસ સોસાયટી માં રહેતા અને કલોલની શ્લોકા હોમિયોપેથી હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. મલય હસમુખભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે બપોરના આશરે બે વાગ્યાના અરસામાં તેઓ પત્ની સાથે ગાડી લઈ રીંગ રોડ હાઇવે પર આવેલ ભાટ ટોલટેક્ષ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આશરે 800 મીટર આગળ તેમની ગાડી સાથે એક ટ્રકના ચાલકની સાથે સામાન્ય ઘસરકો પડ્યો હતો. જેથી તેઓ ટ્રક ચાલક સાથે આ બાબતે વાતચીત કરી રહ્યા હતા. આ દરમ્યાન ત્યાંથી કરણી સેનાની રેલી નીકળી હતી. જેમાં ઘણાં માણસો જોડાયા હતા. ત્યારે રેલીમાંથી બે અજાણ્યા ઈસમો સ્વીફટ જેવી કારમાંથી તેઓની પાસે આવ્યા હતા. અને કરણી સેનાની રેલીના કારણે ટ્રાફિક પણ રોડ ઉપર જામ થઈ ગયો હતો.
બાદમાં બંને ઈસમોએ ડો. મલયને કરણી સેનાના સભ્યો હોવાની ઓળખ આપી કહેલ કે તમે લોકો અહીંયા કેમ ઉભા રહ્યા છો. જેથી બંન્નેને સામાન્ય એક્સિડેન્ટ થયો હોવાથી અહીં ઉભા હોવાની વાત કરી હતી. ત્યારે બંને જણાંએ ટ્રકના ચાલક સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. એટલે ડો. મલયે કહ્યું હતું કે આ બનાવમાં મારો કે ટ્રકના ચાલકનો કોઇ વાંક નથી. તમે અહીથી તમારી રેલીમાં જતા રહો એમ કહ્યું હતું.
આ સાંભળીને બંને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. અને જેમ ફાવે તેમ બોલી ડો. મલયને ફેંટ મારવા લાગ્યા હતા. આ જોઈ તેમના પત્ની વચ્ચે છોડાવવા માટે પડતાં તેમની સાથે પણ બંને ઈસમોએ જેમતેમ ભાષા બોલવા લાગ્યા હતા. જેમને ગાળો બોલવાની ના પાડતાં આ બંને ઈસમો આજે તો તું બચી ગયો ફરીથી મળીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાડીમાં બેસી નાસી ગયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.