વીડિયો કોલમાં નગ્ન કરી હનીટ્રેપ ગોઠવતી ટોળકીએ એકનો જીવ લીધો
‘સ્વસેવા’નો વીડિયો બનાવી બ્લેકમેઇલ કરાતાં રાંદેરના યુવાનનો આપઘાત
ફાંસો ખાતો ફોટો મોકલી આજીજી છતાં પાંચ હજાર માગતાં યુવાન લટકી ગયો
ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડશિપનું નાટક કરી સામેથી યુવતી નગ્ન થઇ યુવાનને પણ નગ્ન થવા ઉશ્કેરી સ્વસેવાનો વીડિયો ઉતારી લઇ બ્લેકમેઇલ કરતી ટોળકીની ધમકીથી ડરી ગયેલા રાંદેરના 27 વર્ષીય યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવાન પાસે વારંવાર ખંડણી માંગી બ્લેકમેઇલ કરવામાં આવતાં યુવાને પોતે ફાંસો ખાઇ લેશે તેવો ફોટો મોકલી આજીજી કરવા છતાં પણ ટોળકીએ વધુ રૂપિયાની માંગણી ચાલુ રાખતાં યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું.
યુવાનના મૃત્યુના બીજા દિવસે તેનું ઇન્સ્ટા. એકાઉન્ટ અને વોટ્સએપ ચેટિંગ જોતાં સ્વજનોને આપઘાતનું સાચું કારણ જાણવા મળતાં તેમણે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ઓલપાડ તાલુકાનો વતની અને ઉગત-ભેંસાણ રોડ ઉપર એક એપા.માં રાત્રે સૂવા આવેલો 27 વર્ષીય મોહનીશ ગત 31મીએ સવારે પંખા સાથે દોરી બાંધેલી અવસ્થામાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો નાનો ભાઇ જ્યારે સવારે પોણા દસ વાગ્યે આવ્યો ત્યારે મોટાભાઇને આપઘાતની સ્થિતિમાં જોતાં ચોંક્યો હતો.
રાંદેર પોલીસને જાણ કરી પોસ્ટમોર્ટમ બાદ ડેડબોડીનો અંતિમ સંસ્કાર કરીને પરત આવેલા નાના ભાઇને જોકે મોટા ભાઇના આપઘાતનું રહસ્ય સમજાયું ન હતું. મોબાઇલ ફોન ચેક કર્યો હતો ત્યારે સહુ કોઇ ચોંકી ગયા હતા. મોટા ભાઇ હનીટ્રેપ ગોઠવતી ગેંગનો શિકાર બન્યાનું બહાર આવતાં આ ટોળકી વિરુદ્ધ રાંદેર પોલીસ મથકે બ્લેકમેઇલિંગ અને આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.
બહેનને વીડિયો મોકલવાની ધમકી આપતાં ફાંસો
પોલીસે મૃતકનો વીડિયો ચેક કરતાં શ્રેયા097 નામથી એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો. જે કોલમાં આ યુવતી નગ્ન થઇ ગઇ હતી અને ઉત્તેજીત કરતાં આ યુવાન પણ નગ્ન થઇ ગયો હતો. યુવતીએ ગુપચુપ વીડિયો બનાવી લીધો હતો. 21મી રાત્રે જ આ યુવાને 2:18 કલાકે 5000, 2:26 કલાકે 5000 તથા 2:29 કલાકે બીજાં 10,000 મળી 20 હજાર રૂપિયા યસ બેન્કના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. છતાં વધુ પાંચ હજારની માગણી કરી વીડિયો બહેનને મોકલવાની જીદ કરતાં યુવાને મોતનો રસ્તો પસંદ કર્યો હતો.
સાઇબર ક્રાઇમની ટીમે આરોપીને દબોચ્યા
તપાસ સાઇબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર તરૂણ ચૌધરીને સોંપવામાં આવી હતી. મામલો ગંભીર હોઇ સાઇબર ક્રાઇમની ટીમે આ કોલિંગ નંબર, ઇન્સ્ટા. એકાઉન્ટ તથા યસ બેન્કનાં જે એકાઉન્ટમાં નાણાં જમા થયા હતા તે તમામની ઝીણવટપૂર્વક તપાસ કરી ગુજરાત બહાર છટકું ગોઠવી હનીટ્રેપ કરતી આ ગેંગને દબોચી લીધી હોવાનું જાણવા મળે છે.