અમદાવાદ અને ગાંધીનગરમાં ખનન માફિયાઓ બેખૌફ પણે રેતીની ચોરી કરી રહ્યાં હોવાના અનેક કિસ્સા સામે આવતાં રહે છે. કેટલીક વખત આવા માફિયાઓના કારણે નિર્દોષ લોકોના જીવ પડીકે બંધાતા હોય છે. આજે અમદાવાદમાં બે ખનન માફિયાઓની લડાઈમાં એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો હોવાની ઘટના બની છે. જીવરાજપાર્ક વિસ્તારમાં એક ખનન માફિયાએ જુની અદાવતને લઈને બીજા ખનન માફિયાને જીપથી ટક્કર મારી હતી.આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ લડાઈમાં એક વ્યક્તિ મદદ માટે ગયો હતો તેને પણ આ માફિયાઓએ કચડી માર્યો હતો.
ખનન માફિયાએ ત્રણ લોકોને ઈરાદાપૂર્વક ટક્કર મારી
પ્રાપ્ત વિગતો પ્રમાણે જીવરાજપાર્ક વિસ્તારમાં સવારે ખનન માફિયાઓ વચ્ચે અદાવતને લઈ બબાલ થઈ હતી. જેમાં દશરથ ઓડ નામના રેતી ખનન માફિયાએ ત્રણ લોકોને ઈરાદાપૂર્વક ટક્કર મારી હતી. આ અકસ્માત જોઈને અરવિંગ ચૌહાણ નામનો વ્યક્તિ મદદે દોડી ગયો હતો. તેને પણ જીપથી ટક્કર મારતાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. જ્યારે બે બાઈકચાલકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી
પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મૃતક અરવિંદ ચૌહાણ સવારના સમયે ફૂલ લઈને આવતાં હતાં અને ચા પીવા માટે જીવરાજ મહેતા હોસ્પિટલ પાસેની એક કીટલી પર ઉભા હતાં. તેમણે આ ઘટના જોઈને મદદ માટે દોડી ગયાં હતાં. તેઓ 108ને ફોન કરે તે પહેલાં જ દશરથ ઓડ નામના રેત ખનન માફિયાએ તેમને જીપથી કચડ્યાં હતાં. તેમની સાથે એક અન્ય વ્યક્તિ પણ દોડ્યા હતાં પણ તેમને બચાવ થયો હતો.