સરસપુર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ પાસે અમર એસ્ટેટમાં અનાજમાં કીડીઓ નીકળવા જેવી બાબતે યુવકે આધેડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, માથા સહીત શરીરે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આધેડ રોટલી બનાવવા લોટ બાંધતા, યુવકે લાફો મારી લોખંડના સાણસીના માથા સહિત શરીરે ફકટા મારતા બેભાન થઇ ગયા
આ કેસની વિગત એવી છે કે માધુપુરા મહેદીકૂવા ખાતે રામાપીર મંદિર પાસે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની સતલામપ્રસાદ રામજીવન ચૌહાણ (ઉ.વ.૨૬)એ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અનિલ સ્ટાર્ચ રોડ ઉપર અમર એસ્ટેટમાં સુપર બ્રેડ સામે શેડ નંબર૧૬૭ ખાતે રહેતા દિનેશભાઇ યાદવ સામે ફરિયાદ નોંધાવી છેકે તેમના પિતા ત્રણ મહિનાથી આ એસ્ટેટમાં નોકરી કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. ગઇકાલે રાત્રે ૮.૩૦ વાગે તેમના પિતા એસ્ટેટમાં રોટલી બનાવવા માટે લોટ બાંધતા હતા.
આ સમયે અનાજમાં કીડીઓ નીકળવા બાબતે આરોપી દિનેશ યાદવે તકરાર કરી હતી અને ફરિયાદીના પિતા રામજીવન રોટલી બનાવવા માટે લોટ બાંધતા હતા ત્યારે આરોપીએ તેમના ગાલ ઉપર લાફો માર્યા બાદ લોખંડની સાણસી માથા સહિત શરીરના ભાગે મારી હતી જેથી ફરિયાદીના પિતા બેભાન થઇ ગયા હતા. જેથી સારવાર માટે તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બેભાન હાલતમાં સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોધ્યો હતો અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે.