શનિવારે રાત્રે 8:30ના અરસામાં અંજારના સોરઠીયા નાકા પાસેથી સ્કોર્પિયો કાર સહિત યુવકનું અપહરણ કરનારા આરોપીઓને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઓપરેશન હાથ ધરી કચ્છ બહારથી ઝડપી પાડી યુવકને મુક્ત કરાવ્યો છે. નાણાંની લેતી-દેતી મામલે અપહરણ થયાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.
યોગેશ્વર ચોકડી પાસે રહેતા પરાક્રમસિંહ જાડેજા તેના મિત્રો સિધ્ધરાજસિંહ જાડેજા અને મીત પ્રજાપતિને પોતાની બ્લેક સ્કોર્પિયોમાં બેસાડી સોરઠીયા નાકા પાસે નાસ્તો કરવા આવ્યા હતા. ત્રણે મિત્રો નાસ્તો કરીને ગાડીમાં બેઠાં હતા. તે સમયે નંબર પ્લેટ વગરની બ્લેક થાર જીપ અને સ્વિફ્ટ કારમાં પાંચ જણ આવ્યાં હતાં. થારમાંથી જયદીપસિંહ ઝાલા (રહે. આદિપુર) અને તેના ત્રણ સાગરીતો ધોકા સાથે નીચે ઉતર્યાં હતાં અને પરાક્રમસિહને સ્કોર્પિયોમાંથી નીચે ઉતારી થાર જીપમાં બેસાડ્યો હતો. પરાક્રમસિહની સાથે બેઠેલાં બે મિત્રો કારમાંથી બહાર નીકળ્યાં બાદ આ ટોળકી પરાક્રમસિંહનું અપહરણ કરી સ્કોર્પિયો સમેત ત્રણે વાહનો લઈને નીકળી ગઈ હતી.
સિધ્ધરાજે પરાક્રમસિંહનો સંપર્ક કરતાં ફોન બંધ થઈ ગયો હતો. બનાવ અંગે સિધ્ધરાજે અંજાર પોલીસ મથકે મિત્ર પરાક્રમસિંહના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અંજાર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ચોમેર તપાસ હાથ ધરી કચ્છ બહાર કારમાં નાસી રહેલાં આરોપીઓનો પીછો કર્યો હતો. પડોશી જિલ્લાની પોલીસની મદદથી અપહરણકારોને ઝડપી પાડી પરાક્રમસિહને મુક્ત કરાવ્યો હતો. PI એસ.ડી. સિસોદીયાએ જણાવ્યું કે, પ્રાથમિક તબક્કે નાણાંની લેતી-દેતીના મામલે આરોપીઓએ અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.