સુરત શહેરમાં કોરોનાના ૧૮૭ શંકાસ્પદ, ૧૭૧ નેગેટિવ, ૧૧ પોઝીટિવ અને ૦૫ રિપોર્ટ પેન્ડીંગ છે: મ્યુ.કમિશનર બંછાનિધિ પાની

Views 143

     સુરત,રવિવાર: સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૦૪ એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના ૧૮૭ શંકાસ્પદ કેસો પૈકી ૧૭૧ નેગેટિવ રિપોર્ટ નોંધાયા છે. ૧૧ પોઝીટિવ અને ૦૫ રિપોર્ટ પેન્ડીંગ છે. આજે નોંધાયેલો નવો પોઝિટીવ કેસ પાલ વિસ્તારમાં રહેતા એક ૬૧ વર્ષીય મહિલાનો છે, જેનો પુત્ર આર.કે.ટી. માર્કેટમાં કામ કરે છે. હાલ તેઓ મિશન હોસ્પિટલમાં એડમિટ છે, આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આરકેટી માર્કેટ સંલગ્ન આ બીજો પોઝિટિવ કેસ છે.
હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરનાર ત્રણ વ્યક્તિ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના ટ્રિપલ T ના એપ્રોચ સાથે મહાનગરપાલિકા હોમ ક્વોરેન્ટાઇનમાં રહેલા વ્યક્તિઓની બેદરકારી ચલાવી લેશે નહીં એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આજે પાલિકાની વેબસાઇટ પર ૧૯૨૫ વ્યક્તિઓએ સેલ્ફ ડેક્લેરેશન કર્યું છે.
શહેરમાં ૪૨૫ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. ખાસ કરીને રાંદેર વિસ્તાર જેવા કોરોના માટે સંવેદનશીલ વિસ્તારોમાં જરૂર પડ્યે બીજીવાર સઘન આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવશે. શહેરમાં આજરોજ ૨૬૮૪ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. તેમજ આજ સુધી શહેરમાં ૨૨૧૬૪ જાહેર અને જરૂરી સ્થળોએ ડિસઇન્ફેક્શન અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે.
શહેરના સેવાભાવી નાગરિકો-સંસ્થાઓનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, કોરોના સંકટમાં આજ સુધી ૧,૪૬,૪૪૮ કિલોગ્રામ ખાદ્યસામગ્રી તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ સુરત મહાનગરપાલિકાને સેવાભાવી નાગરિકો-સંસ્થાઓ દ્વારા સેવાર્થે આપવામાં આવી છે. આજરોજ હોમ ક્વોરેન્ટાઇનમાંથી ૧.૧૮ મેટ્રિક ટનનો મેડિકલ વેસ્ટ મળ્યો છે, જેનું ખાસ પદ્ધતિથી અલગ રીતે વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવશે.
મ્યુ.કમિશનરશ્રીએ જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા ૧૨૮૦ જેટલા વૃદ્ધોને તેમના ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવે છે. કુલ ૩,૬૫,૪૩૨ સ્લમ અને ઔદ્યોગિક શ્રમિકોને શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરી આવશ્યક ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પો.ઓફિસ કો-ઓપરેટીવ સોસાયટી તરફથી આજરોજ રૂ. ૨૧ લાખનો ચેક પ્રાપ્ત થયો છે. ઉપરાંત પાલિકાને આજ સુધી રૂ.ત્રણ કરોડ થી વધુનું દાન મળ્યું છે. અન્નબ્રહ્મ યોજના હેઠળ આજે ૬૦૪૬ ગરીબ જરૂરિયાતમંદોને અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી શહેરીજનોને બહાર નીકળતી વખતે અચૂકપણે રેડીમેડ અથવા ઘરે બનાવેલો થ્રી લેયર માસ્ક પહેરવા અપીલ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *