ખેડબ્રહ્મા આંગડીયા લૂંટ વિથ મર્ડરના ગુનામાં ફરાર હથિયારોના સોદાગર હનીફ સહિત 4 ઝબ્બે : 12 પિસ્ટલ, બંદૂક જપ્ત

Views 52

સાણંદ ચોકડીથી શાંતિપુરા સર્કલ જતા રોડ પર પાઈપની કંપની પાસેથી મંગળવારે રાત્રે ક્રાઈમબ્રાંચે હથિયારોના સોદાગર હનીફ બેલીમ સહિત ચાર આરોપીને ઝડપી લીધા હતા. ખેડબ્રહ્મા આંગડીયા લૂંટ વિથ મર્ડર સહિતના અનેક ગુનાઓમાં ફરાર હનીફ વેશપલટો કરીને જૂદા જૂદા રાજ્યોમાં છૂપાતો ફરતો હતો. હથિયારોની ડિલિવરી કરવા આવેલા હનીફ અંગે બાતમી મળતા ક્રાઈમબ્રાંચે રેડ કરી ચાર જણાને ઝડપ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૯ પિસ્ટલ, એક બંદૂક, એક તમંચો, એક રિવોલ્વર અને બે કારતૂસ સહિત 12 ફાયર આર્મ્સ મળી કુલ રૂ.3,05,200ની મત્તાનો મુદ્દામાલ કબ્જે લઈ રાજ્યવ્યાપી ચાલતા હથિયાર લે-વેચનું નેટવર્ક ખુલ્લું પાડયું છે. પોલીસ તપાસમાં પાટણ જીલ્લાના મૌલીકસિંહ અને કાળુભાના નામ હથિયાર રેકેટમાં બહાર આવ્યા છે. 

પાટણ જીલ્લાના મૌલીકસિંહ અને કાળુભાના નામ ખૂલ્યાં : શાંતિપુરા સર્કલ પાસેથી આરોપી ઝડપાયા  

ક્રાઈમબ્રાંચે બાતમી આધારે વોચ ગોઠવીને હનીફ ઉર્ફ સાબીર ઉર્ફ કાળીયો ઉર્ફ નાનુખાન  ઈમામભાઈ બેલીમ (ઉં,48), અસલમ અનવર સોલંકી (ઉં,25), મો.ખાન ઉર્ફ જામ નસીફખાન મલેક (ઉં,34) અને આસીફખાન ઉર્ફ રેબર અહેમદખાન મલેક (ઉં,27)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બચવા માટે ભાગતા ફરતા હથિયારોના સોદાગર હનીફ ઉર્ફ નાનુખાને તેની પાસેના હથિયાર આરોપીઓને વેચ્યા હોવાથી ડિલિવરી લેવા બોલાવ્યા હતા. આ ડિલ માટે ભેગા થયેલા આરોપીઓને ક્રાઈમબ્રાંચે ઝડપી લીધા હતા. 

હથીયારોના સોદાગર હનીફખાન સાબરકાંઠા ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર, હિમંતનગર, પાટણ અને ક્રાઈમબ્રાંચના આર્મ્સ એક્ટના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. હનીફને હથિયારો પાટણના રાણોદ ગામના મૌલિકસિહ ઉર્ફ મુન્નાબાપુ રણમલસિંહ વાઢેરે આપ્યાનું ખુલ્યું હતું. આ હથિયારોમાંથી બંદુક હનીફે પાટણના દુદખા ગામના કાળુભા ભીખુભા રાઠોડને વેચી હતી. જો કે, થોડો સમય બંદુક રાખ્યા બાદ કાળુભાએ પરત આપી હનીફ પાસે સારી પિસ્ટોલની માંગ કરી હતી. હનીફ જૂદા જૂદા રાજ્યોમાં નામ બદલીને રહેતો અને કન્સ્ટ્રકશન સાઈટ પર મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો.આરોપીની ગેંગ દ્વારા સપ્લાય કરવામાં આવેલા 20 જેટલા હથિયારો અગાઉ જૂદા જૂદા સ્થળે પકડાયા છે. હનીફ ગેંગના અનેક આરોપીઓ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.  

સાત રાજ્યોમાં છૂપાયો,પત્નીને પણ મળતો ન હતો

2020માં ખેડબ્રહ્મા આંગડીયા પેઢીની લૂંટ વિથ મર્ડરના ગુના સહિત આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં  વોન્ટેડ આરોપી હનીફ પોલીસથી બચવા નામ બદલીને જૂદા જૂદા રાજ્યોમાં આશરો લેતો હતો. હનીફે પ્રથમ રાજસ્થાન બાદ પંજાબ, યુ.પી., બિહાર, તમિલનાડુ, કર્ણાટક અને કેરલા જેવા સાત રાજ્યોમાં નાનુખાનના નામે રોકાણ કર્યું હતું. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતો આરોપી જૂના સબંધો કે મિત્રો સાથેના સંપર્કો તોડી નાંખતો હતો. મુંબઈ થાણેમાં રહેતી પત્ની અને સબંધીઓ સાથે પણ આરોપીએ સંર્પક તોડી નાંખ્યા હતા.

‘મહોબત સે દે રહા હું’ તેમ કહી મોતનો સામાન વેચતો 

હથિયારોનો સોદાગર હનીફ બંદુક, પિસ્ટલ, તમંચા અને રિવોલ્વરની લે-વેચના બે નંબરના ધંધા સાથે સંકળાયેલો હતો. ગ્રાહકોને આરોપી મહોબત સે દે રહા હું તેમ કહી મોતનો સામાન વેચતો હતો. ખુંખાર આરોપીની બોલી પરથી સામેવાળી વ્યક્તિ તેનામાં સરળ માણસને જોતી હતી. જેના કારણે આરોપી ખુંખાર હોવા છતાં પણ પોલીસની પકડથી દૂર રહેવામાં સફળ રહ્યો હતો. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *