લખપત તાલુકાના લાખાપરમાં રામદેવપીરના મંદિરમાં થયેલી ચોરીના બનાવને બે માસ જેટલો સમય થવા અાવ્યો છતાં ચોર ન પકડાતાં વેપારીઅો, સ્વૈચ્છિક સંસ્થાઅોઅે સોમવારે દયાપરમાં રેલી સાથે મામલતદાર કચેરીઅે પ્રતીક ધરણા અને તાલુકામાં બંધનું અેલાન અાપ્યું છે.
લાખાપર રામદેવપીર સમિતિ દ્વારા ગત રવિવારે લાખાપરમાં બોલાવેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તા.27-2, સોમવારના લખપત તાલુકો સજ્જડ બંધ રાખી, તાલુકા મથક દયાપરમાં રેલી સ્વરૂપે મામલતદારને અાવેદનપત્ર અાપી પ્રતીક ધરણા કરાશે.
તાલુકા બંધના અેલાનને જબ્બરો પ્રતિસાદ સાપડી રહ્યો છે અને દયાપરના વેપારી મંડળ, ઘડુલી વેપારી અેસોસિયેશન, પાનધ્રો અેક્તાનગર, વર્માનગર, માતાના મઢ, બરંદા સહિતના ગામોના વેપારીઅો દ્વારા ટેકો જાહેર કરી બંધવામાં જોડાવાની સાથે વેપારીઅો ધરણામાં હાજરી અાપશે. બીજી બાજુ કચ્છના પ્રસિધ્ધ યાત્રાધામો માતાના મઢ જાગીર ટ્રસ્ટ, નારાયણ સરોવર જાગીર ટ્રસ્ટ, કોટેશ્વર સહિતની ધાર્મિક, સામાજિક સંસ્થાઅો, વિવિધ સમાજોઅે ટેકો જાહેર કર્યો હોવાનું રામદેવપીર સેવા સમિતિના મંત્રી રતનજી જાડેજાઅે જણાવ્યું હતું.
દયાપરમાં વેપારી મંડળ સાથે પોલીસની બેઠક
શુક્રવારે દયાપર પોલીસ મથકે સ્થાનિક વેપારી મંડળના સભ્યોની બેઠક મળી હતી, જેમાં પીઅેસઅાઇ અાર.સી. ગોહિલે સ્થાનિક પોલીસ, જિલ્લા પોલીસ, વિવિધ અેજન્સીઅો દ્વારા ચોરીના બનાવ મુદ્દે તપાસ ચાલુ હોવાનું જણાવી, સોમવારે બંધ ને લઇને કાયદો, વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી.