પાલનપુરમાં એક કોલેજિયન વિદ્યાર્થીનું પ્રેમપ્રકરણના કારણે અપહરણ કરાયા બાદ હત્યા નિપજાવાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે અપહરણ અને હત્યાના આ મામલામાં આરોપીઓને ઝડપવા માટે ચાર ટીમોની રચના કરી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ મોદી સમાજ દ્વારા આ મામલે ન્યાયિક તપાસ કરી આરોપીઓને વહેલીતકે ઝડપી પાડવાની માગ કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીના પરિવારે જ્યા સુધી હત્યારા ન પકડાય ત્યા સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે, પાલનપુરની આદર્શ સંકુલમાં અભ્યાસ કરતા આર્યન મોદીને કોઈ છોકરી સાથે પ્રેમસંબંધ હતો. જે મામલે ગઈકાલે તેનું કેટલાક શખ્સો દ્વારા કારમાં અપહરણ કરાયું હતું અને અજ્ઞાત જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ આર્યનને છોડી મૂકવામાં આવતા તે ઘર પર આવ્યો હતો અને ત્યાંથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આર્યનના લેવામાં આવેલા ડીડી (ડાઈંગ ડેક્લેરેશન) આરોપીઓએ આર્યનને દવા પણ પીવડાવી હતી.
આરોપીઓને ઝડપવા ચાર તપાસ ટીમની રચના
મામલાની ગંભીરતા જોતા બનાસકાંઠા પોલીસ દ્વારા અપહરણ અને હત્યાના કેસમાં ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ચાર ટીમોની રચના કરવામાં આવી છે. તમામ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
મોદી સમાજ દ્વારા ન્યાયની માગ કરવામાં આવી
આર્યન મોદીની હત્યાના બનાવ બાદ મોદી સમાજમાં અને અન્ય સમાજના લોકોમાં રોષ છે. આજે મોદી સમાજના લોકો દ્વારા આ મામલે પોલીસ ન્યાયિક તપાસ કરી આરોપીઓને વહેલીતકે ઝડપે તેવી માગ કરવામાં આવી છે. પાલનપુરમાં આર્યન મોદી નામના વિદ્યાર્થીનું અપહરણ કરી મોતના મામલામાં પરિવારે જ્યા સુધી હત્યારા ન પકડાય ત્યા સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.