છેલ્લા આઠ માસથી પેરાલીસીસ અને એટ્રોફીની બિમારીથી પીડાતા અમદાવાદના દર્દીને કોલવડાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આર્યુવેદ સારવારથી માત્ર 15 દિવસમાં ચાલતા કરી દીધા છે. બિમારીના કારણે દર્દી વ્હિલચેર ઉપર જ દૈનિક ક્રિયા કરતા હોવાથી તકલીફ અનુભવતા હતા. જોકે વેલન્ટાઇન ડેના દિવસે દર્દીને વ્હિલચેર વિના જ ચાલતા થતાં ચોકલેટ આપવામાં આવી હતી.
આપણી સંસ્કૃત્તિમાં આયુર્વેદ શાસ્ત્રનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રાચીનકાળથી ઋષિઓ અને મુનિઓ આયુર્વેદથી તંદુરસ્ત રહેતા હતા. ત્યારે વર્તમાન સમયમાં પણ આયુર્વેદ સારવારથી અનેક રોગમાંથી દર્દીઓને મુક્ત કર્યા છે. આવો જ એક કિસ્સો કોલવડાની આર્યુવેદ કોલેજમાં ઇન્ડોર સારવાર લઇને અમદાવાદના દર્દી પેરાલીસીસની બિમારીમાંથી મુક્ત થયા છે.
આ અંગે કોલવડા આયુર્વેદિક હોસ્પિટલના આયુષ વૈદ્ય રાકેશ ભટ્ટે જણાવ્યું છે કે અમદાવાદમાં રહેતા 67 વર્ષીય ભરતભાઇ શાહને આઠેક માસ અગાઉ પેરાલીસીસની સાથે એટ્રોફીની બિમારીમાં સપડાયા હતા. આથી બિમારીમાંથી સાજા થવા માટે પરિવારોએ અનેક તબિબોની પાસે સારવાર અને નિદાન કરાવ્યું હતું. પરંતું તેઓની બિમારીમાં કોઇ જ ફરક પડ્યો નથી. ઉપરાંત પેરાલીસીસની સાથે એટ્રોફીની બિમારીના કારણે તેઓ વ્હિલચેરમાં જ તમામ દૈનિક ક્રિયા કરતા હોવાથી વધુ તકલીફ દર્દી અનુભવતા હતા.
જોકે છેલ્લા આઠ માસથી સારવાર અને નિદાન કરવા છતાં ભરતભાઇની બિમારીમાં કોઇ જ ફેર પડ્યો નહી. ત્યારે તેઓને જિલ્લાના કોલવડા ગામમાં આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતા વૈદ્ય રાકેશ ભટ્ટનો સંપર્ક કરતા તેઓની બિમારીનું આર્યુવેદ પદ્ધતિથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરીને ઇન્ડોર સારવાર શરૂ કરી હતી. આયુર્વેદની સઘન સારવારની સાથે સાથે ફિઝીયોથેરાપીની સારવારને પગલે માત્ર બે સપ્તાહમાં જ ભરતભાઇ શાહ સપોર્ટ વિના ચાલતા થતા જ હોસ્પિટલના સ્ટાફે વેલેન્ટાઇન ડે નિમિત્તે ચોકલેટ ખવડાવી હતી.
પેરાલીસીસની સાથે એટ્રોફીની બિમારીને પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીને એક સપ્તાહ સુધી સઘન આયુર્વેદ સારવાર કરી હતી. જેમાં બસ્તી તેમજ પંચકર્મ ચિકિત્સાની સાથે સાથે ફિઝીયોથેરાપીની પણ સારવાર અને નિદાન કરવામાં આવ્યું હોવાનું વૈદ્ય રાકેશ ભટ્ટે જણાવ્યું છે.
પેરાલીસીસની સાથે સાથે દર્દીને એટ્રોફીની બિમારી થઇ હતી. આથી મગજમાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં જતું નથી. જેને પરિણામે મગજના જ્ઞાનતંતુઓ કાર્યરત નહી થવાથી કોઇ જ અસર થતી નથી. આથી એટ્રોફીની બિમારીને દુર કરીને નર્વસ થયેલા જ્ઞાનતંતુઓ આયુર્વેદ સારવારથી કાર્યરત થયા હોવાનું વૈદ્ય રાકેશ ભટ્ટે જણાવ્યું છે.