ડીસા તાલુકાના સમો મોટા ગામે પાડોશમાં પરિણીત મહિલાની એકલતાનો લાભ લઇ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકા પોલીસ મથકે બળાત્કાર અંગેનો ગુનો નોંધાયો છે.
આ કેશની વિગત એવી છે કે, ડીસા તાલુકાના સમો મોટા ગામે રહેતી બે સંતાનોની માતાને તેમના પડોશમાં રહેતો લીલુસિંહ જાદવ છેલ્લા બે વર્ષથી તેનો પીછો કરી હેરાન કરતો હતો. જોકે મહિલા તેના તાબે થતી ન હતી. ત્યારે ગત તારીખ 10 ફેબ્રુઆરીના રોજ આ મહિલા બપોરે ઘરે એકલી હતી, ત્યારે લીલુસિંહે તેની એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલાનું મોઢું દબાવી તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ વાત કોઈને જણાવશે તો તેના પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તે ત્યાંથી નાસી ગયો હતો.
ત્યારબાદ મહિલાનો પતિ ઘરે આવતા મહિલાએ તેમને સઘળી હકીકત જણાવતા તેઓએ ગામના સરપંચને જાણ કરી હતી. બાદમાં તેઓ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી પીડિત મહિલાએ લીલુસિંહ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.