માણસામાં પત્નીનાં પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી જતાં હોમગાર્ડ જવાનને રસ્તામાં આંતરી સસરાએ લાત મારી નીચે પાડી દીધો હતો. બાદમાં સાસુએ પગ તેમજ પત્નીએ માથું પકડી રાખી તેમજ સાળાની પત્નીએ ઝેરની બોટલ ખોલીને આપતાં સસરાએ જમાઈને ઝેર પીવડાવી દઈ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે માણસા પોલીસે પત્ની સહિતના ઉક્ત સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીના અફેરને લઈ 3-4 દિવસથી ચાલતા હતા ઝઘડા
મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વણકરવાસમાં રહેતો યુવક મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનમાં ગોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. યુવકની અને તેની પત્ની વચ્ચે ત્રણ-ચાર દિવસથી ઝઘડા ચાલતા હતા.
સસરાએ જમાઈને માર મારી બળજબરી ઝેર પીવડાવ્યું
જેથી યુવકે તેની પત્નીના પરિવારને જાણ કરી તેને સમજાવવા કહ્યું હતું. ત્યારે ગત 31 જાન્યુઆરીએ યુવક તેના સાસરાના ઘરે હતો. જ્યાં વિશાલના સસરા, સાસુ, સાળાની પત્ની તથા તેની પત્ની હાજર હતા. આ દરમિયાન યુવકના સસરાએ તેને માર મારી નીચે પાડી દીધો હતો અને તેની ઉપર બેસી ગયા હતા. જ્યારે સાસુએ તેના પગ પકડી રાખ્યા હતા. આ દરમિયાન યુવકના સાળાની પત્નીએ સસરાને ઝેરી દવાની બોટલ આપી હતી.સસરાએ યુવકનું નાક દબાવી ઝેર તેના મોઢામાં નાખી દીધું હતું. ત્યારે યુવકના ગળામાં જ્યાં સુધી ઝેર ઉતરી ન જાય ત્યાં સુધી તેની પત્ની જ્યોત્સનાએ તેની મોઢું પકડી રાખ્યું હતું. જોકે ત્યારબાદ ચારેય જણા સ્થળ પરથી નાસી ગયા હતા. ત્યારે યુવકે તેની માતાને જાણ કરતા તેને સારવાર અર્થે માણસા સીવીલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે તેને ગાંધીનગર સીવીલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. હાલ યુવકની તબીયત સ્થીર હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી
આ સમગ્ર મામલે માણસા પોલીસ સ્ટેશનમાં યુવકની પત્ની સહિત તેના સસરા, સાસુ તથા સાળાની પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે મારામારી સહિતની કલમો હેઠળ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.