રાજયમાં પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં 9. 53 લાખ ઉમેદવારોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ભાજપનાં રાજમાં વારંવાર પરીક્ષાના પેપર ફૂટવાનો સિલસિલો યથાવત રહેતા આજે આમ આદમી પાર્ટીની યુવા પાંખ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર વિરુદ્ધ સૂત્રોચારો કર્યા હતા. જે બાદ આ મુદ્દે પંચાયદત બોર્ડમાં આવેદન પત્ર પાઠવ્યું હતું.
પેપરલીંક થતા ઉમેદવારોમાં રોષ
રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જો કે પરીક્ષા શરૂ થાય એ પહેલાં જ એટીએસ દ્વારા પેપર લીક થયાનો ધડાકો કરવામાં આવતાં સરકારે તાત્કાલિક અસરથી પરીક્ષા મોકૂફ કરી દીધી હતી. જેનાં કારણે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે.
ઉમેદવારોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું
દૂર દૂરથી આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યારે પરીક્ષા મોકૂફ રાખવામાં આવતાં રાજ્યના 9. 53 લાખ ઉમેદવારોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. સરકારને નાછૂટકે ઉમેદવારોનો રોષ ઠારવાનાં પ્રયાસ રૂપે ઉમેદવારોને મફતમાં એસ.ટી બસ થકી ઘરે પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવી પડી હતી. તેમ છતાં ઉમેદવારો ગાંધીનગરમાં ધરણાં યોજવા ઉમટી પડે એવી દહેશત શતાવતા સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાની ફરજ પડી હતી.
સરકાર વિરોધી સૂત્રોચારો કરી દોષિતો સામે કડક પગલાં ભરવાની માંગ
બીજી તરફ આજે આમ આદમી પાર્ટીની યુવા પાંખ દ્વારા પેપર લીક કાંડ મામલે સત્યાગ્રહ છાવણી ખાતે હાથમાં બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચારો કરી દોષિતો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના યુવા પાંખનાં કાર્યકરો ઉમટી પડી ભારે સૂત્રોચારો કરવામાં આવ્યા હતા.
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પાંખનાં પ્રમુખ બ્રિજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં અત્યાર સુધીમાં 20 થી વધુ વખત પેપર ફૂટવાની ઘટનાઓ ઘટી ચૂકી છે. છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. આ વખતે પણ જુનિયર કલાર્કનું પેપર ફૂટવાની ઘટનાથી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યાં છે. ત્યારે સરકાર દોષિતો સામે કડક કાર્યવાહી કરે.