પાટણ નગરપાલિકાના છ નિવૃત્ત અધિકારી કર્મચારીઓને ફિકસ પગારથી સેવામાં લેવાશે. પાટણ નગરપાલિકામાં એક પછી એક કાયમી અને વર્ષો જૂના અનુભવી અધિકારીઓ અને કર્મચારીઓ વયમર્યાદાનાં કારણે નિવૃત્ત થઇ રહ્યા હોવાથી અને આગામી વર્ષમાં પણ જે કોઇ થોડા ઘણાં કાયમી કર્મીઓ રહ્યા છે તેઓ પણ નિવૃત્ત થવાનાં આરે હોવાથી મોટા ભાગની નગરપાલિકા અધિકારી અને કર્મચારીઓ વગરની બનવા ભણી આગળ ધપી રહી છે. ફરી નોકરીમાં રાખવાનો પ્રસ્તાવ સામાન્ય સભામાં મંજૂર પાટણ નગરપાલિકાનાં વહીવટને સૂચારું રૂપે ચલાવવા માટે અનુભવી અને કાબેલ અધિકારીઓની આવશ્યક્તા છે. તો બીજી તરફ સરકાર કાયમી અધિકારીઓ અને કર્મચારીઓની ભરત કરતી ન હોવાથી વહીવટમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાટણ નગરપાલિકા પાસે તેનાં વર્ષો જુના ફરજ બજાવીને નિવૃત્ત થયેલાને વહીવટી કાર્ય કુશળતા ધરાવતા અધિકારી કર્મચારીઓના અનુભવોનો લાભ લઇને વહીવટને સુદૃઢ કરવા માટે ફરીથી નોકરીમાં લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં છ અધિકારી-કર્મચારીઓને ફિક્સ પગારથી કરાર આધારિત સરકારનાં સામાન્ય વહીવટી વિભાગનાં પરિપત્ર મુજબ સરરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ નોકરીમાં રાખવાનો પ્રમુખનો પ્રસ્તાવ પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂર કરાયો હતો. જે છ નિવૃત્ત અધિકારીઓ- કર્મચારીઓને કરાર આધારિત ફિક્સ પગારથી રાખવામાં આવશે તેમાં જે.વી. પટેલ, રાજુભાઇ મોદી, નિતીનભાઇ રામી, દશરથભાઇ પટેલ, ભગવાનભાઇ પટેલ તથા ભરતભાઈમોદીનો સમાવેશ થાય છે.