- ગત 16 જાન્યુઆરીએ રસ્તા પરથી મહિલાની લાશ મળી હતી
- પતિએ પત્નીનું નાક અને મોં દબાવી હત્યા કરી, 3 સંતાનો મા વિનાના નોંધારા, મૃતકના પિતાની જમાઇ વિરુદ્ધ ફરિયાદ
ખેડબ્રહ્માના ચીખલીમાં ગત 16 જાન્યુઆરીના રોજ રસ્તા પરથી મહિલાની લાશ મળવાના પ્રકરણમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં પત્નીએ પતિને વાપરવા માટે પૈસા ના આપતાં પતિએ પત્નીનું નાક અને મોં દબાવી મારી નાખી હોવાનું બહાર આવતાં મહિલાના પિતાએ જમાઈ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર દાંતાના ગનાપીપળીના કમળાભાઇ ગલબાભાઇ બેગડીયાની પુત્રી વનીતા ઉર્ફે મીરકીબેનના લગ્ન 15 વર્ષ અગાઉ ખેડબ્રહ્માના ચીખલીમાં વિજયભાઇ સાયબાભાઈ ગમાર સાથે કર્યા હતા. જેને સંતાનમાં બે દીકરી તથા એક દીકરો છે.
15 દિવસ અગાઉ વિજયભાઇ મીરકીબેન તથા બાળકોને ગનાપીપળીમાં મૂકી આવ્યો હતો. જેથી કમળાભાઈએ દીકરીને પૂછતાં જણાવેલ કે, તેમના ઘરે બકરો હતો તે વેચેલ હતો તેના પૈસા તેનો પતિ ખોટી રીતે વાપરી નાખતો હોઇ, તે પૈસા આપતી ન હતી જેથી ઝઘડો કરી મારઝૂડ કરી મૂકી ગયેલ છે અને ત્યાર બાદ પરત પણ લઈ ગયો હતો.
ગત 16જાન્યુઆરીના રોજ સાંજે પાંચેક વાગે વિજય તથા તેનો સાઢુ બાબુભાઈ કાળુભાઈ ડાભી રહે.પડાપાટ તા.પોશીના બંને બાબુભાઈનુ બાઇક લઇને ખેડબ્રહ્મા શાક લેવા જઇ સાંજના આશરે છ વાગે પાછા આવેલા. તે દરમિયાન મીરકીબેન પણ ઘરેથી નીકળી ગઇ હતી.જે પાછી ના આવતા વિજયભાઇ શોધવા ગયા હતા.
તા.17 જાન્યુઆરીના રોજ સવારના સાત વાગે મીરકીબેનની લાશ મળેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં મીરકીબેનનો પી.એમ રિપોર્સટ આવતા મીરકીબેનને મોં અને નાક દબાવી શ્વાસ રૂંધાવાથી થયાનું માલૂમ પડતાં મીરકીબેનના પિતાએ જમાઇ વિજયભાઈ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પી.એસ.આઈ. જે.આર દેસાઇ દ્વારા ૩૦૨, ૪૯૮ક, ૩૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.