ગ્રાહક બની આવેલા શખ્સે સોનીને છરો બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો
સોનીની આંખમાં મરચું છાંટી મારા મારી કરી લૂંટનો પ્રયાસ
નવા નરોડામાં ગ્રાહકના સ્વાંગમાં યુવક સોનીની દુકાનમાં લૂંટ કરવા માટે આવ્યો હતો અને સોનીની આંખમાં મરચું છાંટીને માર મારીને છરો બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. સોનીએ દુકાનનો દરવાજો બંધ કરીને સિક્યુરિટી સાયરન લગાડતા લોકોની ભીડ એકઠી થઇ હતી. જો કે, સમયસર પોલીસ આવી જતાં લોકોએ પકડીને આરોપીને પોલીસને સુપરત કર્યો હતો. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે નવા નરોડા વિસ્તારમાં ,શિવાજી ચોક પાસે અમીધારા સોસાયટીમાં રહેતા અને બાપા સીતારામ ચોક પાસે બી પૃથ્વી કોમ્પલેક્ષમાં નીલમ ગોલ્ડ પેલેસ નામથી સોના ચાંદીની દુકાન ધરાવતા કૌશિકભાઇ વિક્રમભાઇ પટેલ (ઉ.વ.૨૬) કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોબલનગર વોટર પ્લાન્ટ પાસે રહેતા વિજયકુમાર ગુરુપ્રસાદ કોરી સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી ગઇકાલે સવારે દુકાને આવ્યો હતો અને સોનાની વિંટી પસદ કરીને બાજુમાં મુકાવીને આવતી કાલે પત્નીને લઇને આવીશ તેવી વાત કરીને જતો રહ્યો હતો. આજે સવારે ૯ વાગે તે દુકાને આવ્યો હતો અને પત્ની આવે છે કહીને સોફા ઉપર બેસીને ફોન ઉપર વાતો કરતો હતો, ગ્રાહકો ગયા બાદ સોનીએ પૂછ્યું કે તમારી પત્ની ક્યારે આવશે.
આ સમયે આરોપીએ સોની સાથે મારા મારી કરીને આંખમાં મરચું છાંટીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જો કે સોનીએ દુકાનનો દરવાજો બંધ કરીને સિક્યુરિટી સાયરન બગાડતાં બન્ને અંદર પૂરાઇ ગયા હતા. આરોેપીઓ સોનીને છરો બતાવીને દુકાન ખોલવાનું કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. બીજીતરફ સાયરનના અવાજથી દુકાન બહાર લોકોના ટોળા એકઠા થયા હતા જોગાનું જોગ પોલીસ આવી જતાં આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.