ગાંધીનગરના રાયસણ શ્રી રંગ ઉપવન સોસાયટી બંગલા નંબર 18 માં રહેતા મહેશભાઈ ઈશ્ર્વરલાલ પટેલ નવા સચિવાલય ઉર્જા વિભાગ અધિક સચિવ તરીકે ફરજ બજાવે છે. ઉત્તરાયણ કરવા માટે આઈએએસ અધિકારી મહેશભાઈ પટેલ પરિવાર સાથે વતન કડી ખાતે ગયા હતા. જેમના મકાનમાં અંદર તેમજ બહાર તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલ છે. જે કેમેરાનું મોનિટરિંગ તેમના મોબાઈલમાં તેઓ સમયાંતરે કરતા રહે છે.
આજરોજ સવારે સાતેક વાગ્યાના સુમારે રૂટીન મુજબ મહેશભાઈ વતનમાં બેઠા બેઠા અત્રેના બંગલાના સીસીટીવી કેમેરા મોબાઇલ ચેક કર્યા હતા. ત્યારે મુખ્ય દરવાજાના કેમેરાની દિશા બદલાઇ ગયેલી જણાઈ હતી. જેથી તેમણે આ કેમેરાનું પ્લેબેક (રેકોર્ડિંગ) ચેક કરતા કોઇ ઇસમો દ્વારા આ દિશા ચેન્જ કરાયાનું ખ્યાલ આવ્યો હતો. બાદમાં બંગલાના અન્ય કેમેરા ચેક કરતાં તસ્કરો ચોરી કરતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેનાં પગલે મહેશભાઈ તાબડતોબ ઘરે પરત ફર્યા હતા.
જ્યાં માલુમ પડયું હતું કે, બેઠક રૂમમાં આવેલ બારીની ગ્રીલ કોઈ હથિયાર દ્વારા પહોળી કરી ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ મુખ્ય દરવાજાનું લોક – ઇન્ટરનલ લોક પણ તોડી નાખેલ હતા. જેથી મકાનમાં અંદર જઈ તપાસ કરતા નીચેના માળે આવેલ બેડરૂમમાં આવેલ તિજોરીના પણ લોક તૂટેલા હતા. અને સર સામાન વેર વિખેર પડ્યો હતો. જ્યારે ગોદરેજ કંપનીનું લોકર (સેફ) ચોરાઈ ગયું હતું . અને તિજોરીના અન્ય ડ્રોવરોના પણ લોક તોડેલ હતા તેમજ મકાનમાં તમામ જગ્યાએ સામાન ચેક કરતાં વેરવિખેર પડ્યો હતો.
ત્યારે તસ્કરો ગોદરેજ કંપનીનું આખે આખું લોકર ઉઠાવી ગયા હતા. જેમાં છ તોલા વજનનો સોનાનો હાર, એક સોનાનું આશરે અઢી તોલા વજનનું મંગળસૂત્ર, ત્રણ ડોકીયા સોનાના જે એક ડોકીયુ આશરે ત્રણ તોલાનું એમ ત્રણ ડોકિયા આશરે નવ તોલાના વજનના, સોનાની બે ચેન જેમાં એક ચેન આશરે બે તોલાની અને બીજી ચેન આશરે એક તોલાની, એક નાનું ડાયમંડ વાળું મંગળસૂત્ર, સોનાના પાટલા બે નંગ આશરે બે તોલા વજનના, એક ડાયમંડનો આશરે અઢી તોલા વજનનો સફેદ કલરના ડાયમંડ વાળો, એક સોનાનું નાનું મંગળસૂત્ર સોનાના બ્રેસલેટ નંગ ત્રણ જેમાં એક રોજ ગોલ્ડ વાળું રીયલ ડાયમંડ વાળું તથા અન્ય બે સોનાના, સોનાની બુટી ચાર જોડ, સોનાની વિટી નંગ ત્રણ અને 12 હજાર રોકડા મળીને કુલ રૂ. 18.60 લાખનો મુદામાલ હતો. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.