કપડવંજના ચારણીયામાં પસાર થતી નર્મદાની કેનાલમાં એક યુવતીએ કોઈ કારણોસર નહેરમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. યુવતીએ પોતાનું એક્ટીવા નહેરના બ્રીજ ઉપર પાર્ક કરી નહેરમાં ઝંપલાવતા ચકચાર જાગી છે. આ અંગે આતરસુંબા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ બનાવમાં મળતી વિગતો અનુસાર કપડવંજ તાલુકાના તોરણા ગામે અશોકભાઈ શાહ રહે છે. તેઓ પોતે ખેતી કામ સાથે સંકળાયેલા છે. અશોકભાઈને સંતાનમાં બે દિકરી છે. જેમાં સૌથી મોટી ક્રિષ્ના અને નાની શીવાની (ઉં.વ.૨૨) સાથે અશોકભાઈ હળી મળીને રહેતા હતા. શીવાની કપડવંજ ખાતે આવેલ કોલેજમાં ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરે છે. આજે બપોરે શીવાની પોતાના ઘરે હતી ત્યારે તેની મોટી બહેન ક્રિષ્નાને કહ્યુ કે હું પફ લઈને આવુ છું તેમ કહી શીવાની એક્ટીવા નં.જી.જે.૦૭ સી.ઈ.૫૪૪૬ લઈને નીકળી હતી.
તો આ બાજુ અશોકભાઈ સવારથી પોતે સરકારી કામ અર્થે કપડવંજ મામલતદાર કચેરી આવ્યા હતા.પફ લેવા નીકળેલી શીવાની કપડવંજ પંથકના ચારણીયા ગામની સીમમાં આવી પહોંચી હતી. જ્યાં ત્યાંથી પસાર થઈ રહેલી નર્મદાની કેનાલના બ્રીજ ઉપર તેણીએ પોતાનું વાહન પાર્ક કર્યુ હતું.
આ બાદ શીવાનીએ કેનાલની પાળી ઉપરથી કેનાલમાં પડતું મૂક્યું હતું. સ્થાનિકોએ તુરંત કેનાલના પાણીમાં શોધખોળ કરી આ યુવતીને બહાર કાઢી હતી. પરંતુ આ પહેલા તેણીનું ડૂબી જવાના કારણે કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ આતરસુંબા પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે અપમૃત્યુની નોંધ કરી પોસ્ટમોર્ટમ અર્થે તેણીના મૃતદેહને લઈ જવામાં આવ્યો છે. અશોકભાઈને આ ઘટનાના જાણ થતાં તેમના પગ તળેથી જમીન ધસી પડી હતી. આ બનાવમાં શીવાનીએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયુ નથી. કોઈ અગમ્ય કારણોસર તેણીએ આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ બનાવ સંદર્ભે આતરસુંબા પોલીસ મથકના પોસઈ જે.કે.રાઠોડનો ટેલીફોનીક સંપર્ક સાંધતા તેઓએ જણાવ્યું હતું કે તપાસ મારી પાસે નથી આ ઘટનાની પુરી તપાસ અન્ય જમાદાર કરે છે. અને આ બાબતે મારી પાસે કોઈ વિગત નહોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેઓ પોતે ઋષી પંચમીના મેળાના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનું જણાવી ઘટના પાછળ આખ આડા કાન કર્યા હતા.
કપડવંજ નર્મદાની કેનાલમાં ઝંપલાવતા તોરણાની યુવતીનું મોત
Views 62