‘ઝઘડો કરવો હોય તો સ્ટેશન પર આવીજા’:પાટણ રેલવે સ્ટેશન પર મોડી સાંજે થયેલા ધિંગાણામાં છરીઓ ઉડી, ચોતરફ નાસ ભાગ મચતા મુસાફરો ગભરાઇ ગયા
પાટણ શહેરનાં રેલવે સ્ટેશને સોમવારની મોડી સાંજે છ વાગ્યાનાં સુમારે દેવીપૂજક પટ્ટણી સમાજનાં બે જુથો વચ્ચે એકાએક પથ્થરબાજી અને છરીબાજી થતાં સમગ્ર વિસ્તારમાં આતંકનું વાતાવરણ અને ભારે દોડધામ મચી ગઇ હતી. જેમાં છરીથી કરાયેલા હુમલામાં કેટલાકને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોધાઇ હતી ઇજાગ્રસત સારવાર માટે પાટણની ધારપુર સવીલમાં ખસેડાયા હતા.
* પૈસાના મામલે બોલાચાલી થઇ
મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાનાં ઇન્દિરા નગરમાં રહેતા સુનિલ રામુભાઇ નટવરભાઇ દંતાણી અને તેમની પત્ની લક્ષ્મીબેન સાથે ભાડાની ઇકો ગાડીમાં પાટણ આવ્યા હતા. તેઓ તેમની દાદીની દવા માટે રૂા. 10 હજાર લેવા માટે પાટણનાં રેલ્વે સ્ટેશન ખાતે બાબુભાઇ ભુરાભાઇ પટ્ટણી પાસે ગયા હતા. તે વખતે અહીં બાબુભાઇની સાથે ઉભેલા મહેશ ચમનભાઇ પટ્ટણીએ સુનીલ સાથે પૈસાના મામલે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો.
* ધમકી પણ આપી
આથી વધુ ઝઘડો ન થાય તે માટે સુનિલને તેની પત્ની સમજાવીને ઘરે લઇ ગઇ હતી. ને તે વખતે મહેશે સુનિલને ફોન કરીને ગમે તેમ બોલીને કહેલ કે, ‘તારે ઝઘડો કરવો હોય તો પાટણનાં રેલ્વે સ્ટેશને આવી જા’ તેવી ધમકી આપતાં સુનિલ અને તેની પત્ની ફરીથી ઇક્કો ગાડી લઇને પાટણનાં રેલ્વે સ્ટેશન આવ્યા હતા. જ્યાં મહેશ પટ્ટણી અને તેનો ભત્રીજો વાસુ પટ્ટણી તથા સુનિલ પટ્ટણી તથા બાબુભાઇ પટ્ટણી, તેનો દિકરો વિનોદ વિગેરે પણ ઉભેલા હતા.
* પોલીસે 5 સામે ગુનો નોંધ્યો
સુનિલ અને તેની પત્ની લક્ષ્મીએ ઝઘડો ન કરવા બાબતે સમજાવવા જતાં આ બધા ઉશ્કેરાઇ ગયા હતા અને ઝપાઝપી કરી તેમાં મહેશ અને વાસુએ છરીથી સુનિલને આડેધડ મારતાં હાથની કોણી અને હથેળીમાં, થાપા ઉપર, ગુપ્ત ભાગે છરીનાં ઘા વાગ્યા હતા તથા અન્યોએ ધોકાથી માર માર્યો હતો. લોકો ભેગા થઇ ગયા હતા. સુનિલને સારવાર માટે પાટણની ધારપુર સિવીલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસે પાંચ જણા સામે ગુનો નોંધ્યો હતો અહેવાલ – મુરતુજલી સૈયદ