નશાના કારોબારનો પર્દાફાશ:અમદાવાદના સારંગપુરમાં આઠ લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે આવેલો રાજસ્થાનનો બિશ્નોઈ ઝડપાયો
* આરોપી વાહન ચેકિંગ દરમિયાન પોલીસને જોઈ ભાગ્યો હતો
અમદાવાદના સારંગપુરમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે આવેલો રાજસ્થાનનો બિશ્નોઈ ઝડપાયો છે. કાલુપુરથી સારંગપુર તરફ વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક શખ્સ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને ફિલ્મી સ્ટાઈલમાં દોડીને ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સની જડતી લેતાં તેની પાસે રહેલી બેગમાંથી 80 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની બજાર કિંમત 8 લાખ 36 હજારથી વધુ થાય છે. પોલીસે હાલમાં આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
આરોપી પોલીસને જોઈને અચાનક ભાગ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સોમવારે સાંજે સારંગપુર બ્રિજ પાસે પણ પોલીસનું ચેકિંગ ચાલતું હતું. ત્યારે એક શખ્સ હાથમાં બેગ લઈને પસાર થતો હતો. તે પોલીસને જોઈને અચાનક ભાગ્યો હતો. પોલીસે આ શખ્સ કેમ ભાગ્યો તેવી શંકાના આધારે ફિલ્મી સ્ટાઈલે દોડીને તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં તેની પાસેની બેગમાંથી એક સફેદ રંગના પાઉચમાં પોલીસને ડ્રગ્સ મળી આવ્યું હતું.
આરોપી રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર નજીકનો રહેવાસી
પોલીસે આ વ્યક્તિની પુછપરછ કરતાં તેનું નામ ગણપત બિશ્નોઈ હોવાનું જણાવ્યું હતું. તે રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર નજીકનો રહેવાસી હોવાની વિગત પણ પોલીસને મળી હતી. આ ડ્રગ્સ તે અમદાવાદમાં કોને અને કેટલા લોકોને ડિલિવર કરવા આવ્યો હતો. તેની વિગત પોલીસને મળતાં તેમને પકડવા માટે પ્રયાસ શરૂ કરી દેવાયા છે. તે ઉપરાંત આ વ્યક્તિની પોલીસે વધુ પુછપરછ પણ હાથ ધરવામાં આવી છે. અહેવાલ – સુરેશ પાંડે વિજયસિંહ