પાર્કિંગ બાબતે બોલાચાલી થતા છરી ઝીંકી યુવાનને પતાવી દીધો
જામનગરના નવાગામ ઘેડમાં શનિવારની મોડી રાત્રે 35 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી છે. વાહનના પાર્કિંગ બાબતે બોલાચાલી થતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે રાત્રિના 11:45 કલાકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઇન્દિરા સોસાયટીમાં વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થતા રાજેશ જગદીશપ્રસાદ કૌશિક (ઉંમર વર્ષ 35)ને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને પતાવી દેવામાં આવ્યો હતો. રાજેશને લોહીલુહાણ હાલતમાં અત્રેની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા હુમલાની ઘટના હત્યામાં પરિણમી છે. શનિવારે રાત્રે દસેક વાગ્યાના સુમારે બનેલી આ ઘટનાથી નવાગામ ઘેડ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડી ગઇ છે અને તપાસ હાથ ધરી છે.
નવાગામ ઘેડ વિસ્તારમાં જ્યાં આ ઘટના બની એ સ્થળ પર એક બિનવારસી બાઈક મળી આવ્યું છે. રાજેશ પર હુમલો કરનારા લોકોનું આ બાઈક હોવાનું અને હુમલો કર્યા પછી તેઓ બાઈક છોડીને ભાગી છૂટ્યા હોવાનું પોલીસ માની રહી છે. આ લખાય રહ્યું છે ત્યારે શનિવારની રાત્રે 11:45 કલાકે પોલીસ કાફલો નવાગામ ઘેડ વિસ્તારમાં પહોંચી ગયો છે અને હત્યાનો ગુનો નોંધીને તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.