બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
કાલોલ શહેર પાસે આવેલા ડેરોલસ્ટેશન સ્થિત પાછલા ચાર વર્ષોથી બંધ પડી રહેલા રેલવે ઓવરબ્રિજ અને અધુરા અંડરગ્રાઉન્ડ ગરનાળાને પગલે બંધ પડેલા ફાટક પાસે શનિવારે સાંજે રેલવે લાઇન ક્રોસ કરવા જતી એક શ્રમજીવી આધેડ વયની મહિલા ઘસમસી જતી માલગાડી ટ્રેનની અડફેટે આવી જતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની કરૂણ ઘટનાને પગલે લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ડેરોલસ્ટેશન સ્થિત પાછલા ચાર વર્ષથી બંધ પડેલી રેલવે ઓવરબ્રિજને પગલે બંધ પડેલા ફાટક પાસે લોકોને ખુલ્લામાં ભયજનક રીતે રેલવે ક્રોસિંગ કરવું પડે છે જે ભયજનક સ્થળે અગાઉ બે વખત બે વ્યક્તિઓનો ભોગ લેવાયો છે જે મધ્યે શનિવારે સાંજે વધુ એક મહિલાએ રેલવે લાઇન ક્રોસિંગ કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ડેરોલગામની છુટક મજુરી કામ કરીને ગુજરાન ચલાવતી મહિલા નામે ચતુરીબેન શનિવારે સાંજે તેના કોઈ અંગત કામે સાંજે સાતેક વાગ્યાના સુમારે રેલવે લાઇન ક્રોસિંગ કરતા સમયે પુરપાટ આવતી એક માલગાડી ટ્રેન સાથે અડફેટે આવી જતાં ફંગોળાઈને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાને નડેલા અકસ્માત ઘટના અંગેની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડેરોલસ્ટેશન સ્થિત મુખ્ય ફાટક પર ૨૦૧૭માં રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલુ કરી હતી જેથી એ સમયથી રેલવે ફાટકને બંધ કરવામાં આવ્યું છે પરંતુ તંત્રની આંતરિક ખટપટને કારણે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી બંધ પડી રહેતા છેવટે સ્થાનિક લોકોને બંધ ફાટક પાસેની ખુલ્લી જગ્યાએથી ભયજનક રીતે રેલવે લાઇન ક્રોસ કરવા માટે મજબૂર બની રહ્યા છે.
દિવસ રાત હજારો વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ખુલ્લા લાઇન ક્રોસ કરતા હોવાથી ગત વર્ષે રેલવે તંત્ર દ્વારા નજીકમાં એક અંડરગ્રાઉન્ડ નાળુ પણ મંજૂર કરીને રેલવે તંત્ર દ્વારા સાડા ત્રણ કરોડના ખર્ચે ગરનાળું તૈયાર કરી દીધું છે પરંતુ સ્થાનિક પંચાયત તંત્રની ઉદાસીનતાએ પાછલા દોઢ મહિનાથી ગરનાળાના અપ્રોચ રોડનુ કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આમ સ્થાનિક તંત્રની લાપરવાહી અને ઉદાસીનતાને પગલે ભયજનક રીતે રેલવે ક્રોસિંગ કરતા ત્રણ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.