નવી મેડિકલ કોલેજ શરૂ કરવા કે સીટ વધારવાના કેસમાં રાહત
નેશનલ મેડિકલ કમિશને મંજૂરી ન મળી હોય તેવી કોલેજોને ફરી તક આપી
રાજ્યની મેડિકલ કોલેજોમાં યુજી અને પીજીની સીટ વધારવા કે પછી નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે અરજી કરવામાં બાકી રહી ગયા હોય તેવી કોલેજો ફરીથી અરજી કરી શકે તેવી છૂટ નેશનલ મેડિકલ કમિશને આપી છે. એનએમસીએ આજે પરિપત્ર કરીને કોલેજોને છૂટ જાહેર કરી છે. રાજ્યમાં એક કોલેજને મંજૂરી નહીં મળી હોવાનું જાણવા મળે છે.
2021-22ના શૈક્ષણિક વર્ષ માટે ગુજરાત સહિત દેશભરની મેડિકલ કોલેજોએ અરજી કરી હોય અને તેને કોઈ કારણસર મંજૂર કરવામાં આવી ન હોય તો આવી કોલેજોને ફરીથી અરજી કરવા માટે નેશનલ મેડિકલ કમિશને તક આપી છે.
જેમાં જણાવાયું છે કે 2021-2ના વર્ષ માટે નવી કોલેજ શરૂ કરવા કે એમબીબીએસની સીટ વધારવા માટે જે કોલેજે અરજી કરી હોય અને તેને કોઈ કારણસર મંજૂરી ના મળી હોય તો આવી કોલેજ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે અરજી કરી શકે છે. આ જ પ્રમાણે એનએમસીએ પીજીમાં એવો પરિપત્ર કર્યો છે કે 2021-22ના વર્ષ માટે નવી મેડિકલ કોલેજ કે એમડી, એમએસ, ડીએમની સીટ વધારવા માટે અરજી કરી હોય અને તેને મંજૂરી ના મળી હોય તો આવી કોલેજ 2022-23ના વર્ષ માટે અરજી કરી શકે છે. ટૂંકમાં એનએમસીએ જેને મંજૂરી આપી નથી તેવી કોલેજ ફરીથી અરજી કરી શકે છે. રાજ્યમાં મેડિકલની એટલે કે એમબીબીએસની માત્ર 5,500 જેટલી જ સીટ છે. આ સીટમાં હજુ વધારો કરવાની જરૂર છે તો જ ડોક્ટરોની ઘટ પડી રહી છે તે પુરવામાં ઘણી મોટી મદદ મળી રહેશે. તેના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવવું પડશે.